નાલાસોપારાના પંચકર્મ કેન્દ્રમાંથી વેપારીની 17 લાખની મતા ચોરનારો કેરટેકર પકડાયો

મુંબઈ: નાલાસોપારામાં પંચકર્મ કેન્દ્રમાં વેપારીના દાગીના, રોકડ સહિત 17 લાખ રૂપિયાની મતા ચોરનારા કેરટેકરને પોલીસે મધ્ય પ્રદેશથી પકડી પાડ્યો હતો. આરોપીની ઓળખ રાકેશ શિવશંકર પાંડે (32) તરીકે થઇ હોઇ તેની પાસેથી તમામ મતા જપ્ત કરાઇ હતી.
બોરીવલી ર્પૂમાં રહેતો વેપારી પ્રદીપ ગુપ્તા પચીસ ફેબ્રુઆરીએ નાલાસોપારા પશ્ર્ચિમમાં આયુર્વેદિક પંચકર્મ કેન્દ્રમાં પંચકર્મ ઉપચાર લેવા માટે ગયો હતો. ગુપ્તાએ તેની પાસેના દાગીના, રોકડ સહિત 17 લાખની મતા ત્યાંની રૂમમાં રાખી હતી. દરમિયાન પંચકર્મ કેન્દ્રનો કેરટેકર રાકેશ પાંડે વેપારીની મતા ચોરીને ફરાર થઇ ગયો હતો.
આપણ વાંચો: દ્વારકાના પ્રાચીન મંદિરમાંથી શિવલિંગ ચોરીનો ભેદ ઉકેલાયો, ભત્રીજીને સપનું આવ્યું અને…
આ ઘટના બાદ વેપારીએ નાલાસોપારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપી રાકેશ પાંડે બિહારનો વતની હોઇ તે ટ્રેનમાં પોતાના વતન જઇ રહ્યો હોવાની માહિતી મળતાં પોલીસ ટીમને ત્યાં રવાના કરવામાં આવી હતી અને પોલીસ ટીમે મધ્ય પ્રદેશના ખંડવાથી તેને ઝડપી પાડ્યો હતો. આરોપીએ ચોરેલી તમામ મતા હસ્તગત કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.