Pune Flood: NCP અને MNSના પદાધિકારીઓ વચ્ચે ઝપાઝપી બાદ કાર-ઓફિસમાં તોડફોડ

મુંબઈઃ અકોલામાં સરકારી રેસ્ટ હાઉસની બહાર એમએનએસ (MNS) કાર્યકર્તાઓએ એનસીપી (NCP)ના વિધાનસભ્ય અમોલ મિતકરીની કાર અને ઓફિસની તોડફોડ કર્યા બાદ અહીં ભારે હોબાળો થયો હતો.
વિધાનસભ્ય અમોલ મિતકરીએ પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું હતું કે એમએનએસના પ્રમુખ રાજ ઠાકરેના આદેશ પર મારા પર હુમલો કરવામાં આવ્યો છે. ફરિયાદમાં રાજ ઠાકરેનું નામ પણ આવ્યું છે. પોલીસે આ મામલે ૧૩ લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
આ પણ વાંચો: Loksabha election 2024: એમએનએસનો કેમ આટલો મોહ?
જો કે અકોલાની કોર્ટે મુખ્ય આરોપી અને એમએનએસ જિલ્લા અધ્યક્ષ પંકજ સાબલે, વિદ્યાર્થી જિલ્લા અધ્યક્ષ સૌરભ ભગત અને દીપક બોડખેને જામીન આપ્યા છે. આરોપીઓમાંથી એક જય માલોકરનું ગઈકાલે હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. હવે બાકીના ૯ આરોપીઓએ આગોતરા જામીન માટે અરજી કરી છે.
રાજ ઠાકરેએ પુણેમાં પૂરની સ્થિતિને લઈને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની ટીકા કરી હતી. ત્યાર પછી એનસીપીના વિધાનસભ્ય અને પ્રવક્તા અમોલ મિતકરીએ પ્રતિક્રિયા આપી અને રાજ ઠાકરેની ટીકા કરી, તેથી એમએનએસ કાર્યકર્તાઓ આક્રમક થઈ ગયા હતા અને અકોલામાં મિતકરીની કારની તોડફોડ કરી હતી.