એપ્રોચ રોડ પરની તિરાડને અટલ સેતુની તિરાડ ગણાવી કોંગ્રેસે ચલાવ્યું જુઠ્ઠાણું? જાણો શું છે ખરી વાત…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ભારતના સૌથી લાંબા સી-બ્રિજ(સમુદ્રી સેતુ) અટલ સેતુ જે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક તરીકે પણ ઓળખાય છે તેના ઉદ્ઘાટનના ફક્ત ત્રણ જ મહિનામાં તેના પર તિરાડ પડી ગઇ હોવાનો દાવો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો અને અટલ સેતુના નિર્માણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો દાવો પણ મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલે દ્વારા કરવામાં આવ્યો હતો. રસ્તા પર પડેલી તિરાડોના ફોટા પણ શુક્રવારે ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.
જોકે, દક્ષિણ મુંબઈને નવી મુંબઈથી જોડતા આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં કોઇ ખામી ન હોવાનું અને અટલ સેતુ પર કોઇપણ પ્રકારની તિરાડ ન પડી હોવાનું સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. 21.8 કિલોમીટર લાંબા અટલ સેતુને બદનામ કરવાનો કોંગ્રેસનો કારસો હોવાનું કહી ભાજપે પણ આ મામલે કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે 18,000 કરોડ રૂપિયાના ખર્ચે અટલ સેતુનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને આ બ્રિજના કારણે નવી મુંબઈ અને મુંબઈ વચ્ચેના પ્રવાસનો સમય તેમ જ ઇંધણ અને પૈસાની ભારે બચત થાય છે, જેના કારણે આર્થિક દૃષ્ટીએ પણ આ બ્રિજનું મહત્ત્વ ઘણું છે.
આ પણ વાંચો: અટલ સેતુમાં તિરાડને લઈને ગરમાયું રાજકારણ! કોંગ્રેસે લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ
સરકાર ઉપરાંત એમએમઆરડીએ(મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપેમન્ટ ઓથોરિટી)એ પણ અટલ સેતુ પર કોઇપણ પ્રકારની તિરાડ ન પડી હોવાની વાત સ્પષ્ટ કરી હતી. એમએમઆરડીએએ જણાવ્યા અનુસાર રસ્તા પર પડેલી તિરાડ અટલ સેતુ પર નહીં, પરંતુ ઉલવેથી મુંબઈ તરફ અટલ સેતુ તરફ આવતા એપ્રોચ રોડ પડેલી છે. તસવીરોમાં દેખાતી રસ્તા પરની તિરાડો અટલ સેતુની નહીં, પરંતુ અટલ સેતુ સુધી જતા એપ્રોચ રોડની છે.
કોંગ્રેસની તિરાડ પાડવાની યોજના જનતા ઉથલાવશેઃ ફડણવીસ
કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા ખોટા દાવાને પગલે ભાજપે પણ આક્રમક વલણ અપનાવ્યું હતું. કોંગ્રેસ અટલ સેતુ બાબતે જુઠ્ઠાણું ફેલાવી રહી હોવાનું જણાવતા નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે અટલ સેતુ પર કોઇપણ તિરાડ પડી નથી. તિરાડ એપ્રોચ રોડ પર પડેલી છે. જોકે એક વાત સ્પષ્ટ છે કે જુઠ્ઠાણું ફેલાવીને લાંબી તિરાડ પાડવાની કોંગ્રેસની મોટી યોજના છે. ચૂંટણી વખતે બંધારણ બદલવાનું જુઠ્ઠાણું, ફોનથી ઇવીએમ અનલોક કરવાનું જુઠ્ઠાણું અને હવે આ જુઠ્ઠાણું.
અટલ સેતુને લેશમાત્ર આંચ નથી આવીઃ ભાજપ
કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેનું ખોટું બોલવાનું હજી શરૂ જ છે અને કોંગ્રેસને વિકાસ શું હોય છે અને કોની માટે કરવો જોઇએ તે જ ખબર નથી. જોકે અમે જ્યારે સમુદ્ર પર અટલ સેતુ બાંધ્યો તો કે જુઠ્ઠાણું ફેલાવે છે. અટલ સેતુને લેશમાત્ર આંચ આવી નથી. નાના પટોલે પ્રસાર માધ્યમોને ખોટી માહિતી આપી રહ્યા છે. જોકે આટલું ખોટું બોલવાની શું જરૂર છે તે પ્રશ્ન છે, એમ ભાજપના પ્રદેશ પ્રવક્તાએ જણાવ્યું હતું.