મરાઠા અનામતનો મુદ્દો કુનેહપુર્વક ઉકેલીને એકનાથ શિંદે સમકાલીન નેતાઓથી મુઠ્ઠીઊંચેરા સિદ્ધ થયા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં જ્યારથી એકનાથ શિંદે સત્તામાં સહભાગી થયા કે તરત જ મરાઠા સમાજ દ્વારા અનામતને મુદ્દે તીવ્ર આંદોલન છેડવામાં આવ્યું હતું અને આ આંદોલનને કારણે રાજ્યની સત્તા સામે સંકટ આવી જશે એવાં ચિહ્નો જોવા મળી રહ્યા હતા, પરંતુ જે રીતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ આંદોલનને કુનેહપુર્વક ઉકેલ્યું છે તેને લઈને હવે તેઓ સમકાલીન નેતાઓમાં મુઠ્ઠીઊંચેરા સિદ્ધ થયા છે, એવું રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે.
મરાઠા અનામતનો મુદ્દો દાયકાઓ જૂનો છે અને આ મુદ્દે આ પહેલાં પણ અનેક આંદોલનો થયા હતા. મહારાષ્ટ્રના અત્યાર સુધીના બધા જ મુખ્ય પ્રધાનોએ મરાઠા અનામત આપવાનો પ્રયાસ કર્યો હતો. અગાઉની ભાજપ-શિવસેનાની સરકાર દ્વારા મરાઠા સમાજને અનામત આપવામાં પણ આવી હતી, પરંતુ કમનસીબે વચ્ચે આવેલી સરકારના કાર્યકાળમાં મરાઠા અનામતને કોર્ટ દ્વારા રદ કરવામાં આવી હતી. આને માટે આવશ્યક ઈમ્પિરિકલ ડેટા રાજ્ય સરકાર નિર્ધારિત ત્રણ મહિનાના સમયમાં દાખલ કરી શકી ન હોવાથી આખરે મરાઠા અનામતને રદ કરવાનો ચુકાદો આપવામાં આવ્યો હતો.
આવી સ્થિતિમાં મરાઠા સમાજ દ્વારા શિંદે સત્તામાં આવ્યા બાદ જ અનામત માટેનું આંદોલન ચાલુ કરી દીધું હતું. મનોજ જરાંગે દ્વારા જે રીતે ઉપવાસ કરવામાં આવ્યા હતા અને સરકારને વારંવાર અલ્ટિમેટમ આપ્યું હતું, તેને જોઈને એવું લાગી રહ્યું હતું કે આ આંદોલન રાજ્યની સરકારના પતન માટેનું કારણ બની શકે છે.
આપણ વાંચો: મરાઠા આંદોલન બન્યું ઉગ્ર: હાઇવે જામ કરનારા 500 લોકોની ધરપકડ, હિંગોલીના યુવકની આત્મહત્યા
આખરે મુખ્ય પ્રધાન તરીકે એકનાથ શિંદેએ હસ્તક્ષેપ કર્યો અને મનોજ જરાંગેને એકથી વધુ વખત સરકારને મુદત આપવા માટે પણ મનાવી લીધા. ચાલુ વર્ષના પ્રારંભે મરાઠા સમાજને ઓબીસીમાં આરક્ષણ આપવાનો નિર્ણય લેવાઈ ગયો, પરંતુ ત્યારબાદ પણ સમાજની નારાજગી દૂર થઈ નહોતી અને મનોજ જરાંગેએ સત્તાધારી મહાયુતિના બધા ઉમેદવારો સામે મરાઠા સમાજના યુવાનોને સંખ્યાબંધ રીતે ઊભા કરીને ઝટકો આપવાની જાહેરાત કરી નાખી હતી, આ સમસ્યાનું પણ નિરાકરણ કરવામાં એકનાથ શિંદે સફળ થયા હતા અને પહેલા બે તબક્કાની ચૂંટણીમાં મનોજ જરાંગે દ્વારા કોઈ અપક્ષ ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા ન હોવાથી આ સમસ્યાનું નિરાકરણ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
બીજી તરફ એકનાથ શિંદેએ મરાઠા સમાજના જરાંગે સિવાયના અન્ય નેતાઓને પોતાની સાથે કરી લેવામાં પણ સફળતા મેળવી છે અને આમ હવે સત્તાધારી મહાયુતિને કોઈ સંકટ દેખાતું નથી. આ બધી બાબતનો ઉલ્લેખ કરતાં રાજ્યના એક અગ્રણી રાજકીય નીરિક્ષકે જણાવ્યું હતું કે અત્યાર સુધીના બધા જ રાજકારણીઓમાં મરાઠા સમાજની સમસ્યાનું કુનેહપુર્વક નિરાકરણ કરીને એકનાથ શિંદે શરદ પવાર, અજિત પવાર, દેવેન્દ્ર ફડણવીસ, પૃથ્વીરાજ ચવ્હાણ અને અશોક ચવ્હાણ બધા કરતાં મુઠ્ઠીઊંચેરા સિદ્ધ થયા છે. આ બધા નેતાઓએ મરાઠા સમાજને અનામત મળે તે માટે પ્રયાસો કર્યા હતા, પરંતુ એકનાથ શિંદે જેવી સફળતા કોઈને મળી નહોતી.