લાવો કરોડ રૂપિયાઃ શરદ પવારનો બિઝનેસ પાર્ટનર બનાવીશ, કોન્સ્ટેબલ છેતરાયો
મુંબઈ: શરદચંદ્ર પવાર જૂથની એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)ના વડા શરદ પવારની બે કંપનીઓમાં પાર્ટનર બનાવવાની લાલચે એક બિઝનેસમેને પોલીસ કોન્સ્ટેબલ સાથે 93 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે.
છેતરપિંડીનો ભોગ બનનારા વિજય ગાયકવાડ છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે 2020થી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અને આરોપી બિઝનેસમેન અપૂર્વ જગદીશ મહેતાને તે એરપોર્ટ પર અવારનવાર મળતા હતા.
ગાયકવાડે પોતાની ફરિયાદમાં જણાવ્યા અનુસાર મહેતાએ 2021માં તે શરદ પવારની સૂચના મુજબ બે નવી કંપની શરૂ કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું અને એ કંપનીમાં પાર્ટનર બનવાની ઓફર મહેતાએ ગાયકવાડને કરી હતી.
બંને કંપનીઓના નામ ગાયકવાડની દીકરી અને દીકરાના નામે શરૂ કરવાનું કહી મહેતાએ ગાયકવાડને ફસાવ્યો હતો. શરદ પવાર પોતે આ કંપનીના પાર્ટનર હશે તેવું કહી અને અનેક હાઇ-પ્રોફાઇલ રાજકારણીઓ સાથે પોતાના સંબંધ હોવાનું જણાવી મહેતાએ ગાયકવાડને જાળમાં ફસાવ્યો હતો.
આ પણ વાંચો: NCP (શરદચંદ્ર પવાર)ની ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર
આ કંપનીઓ શરૂ કરવા માટે એક કરોડ રૂપિયાના રોકાણની જરૂર હોવાનું મહેતાએ જણાવતા ગાયકવાડે પોતાનો ફ્લેટ વેચી, એલઆઇસીમાંથી લોન લઇ અને પ્રોવિડન્ટ ફંડ તોડીને મહેતાને 93 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. જોકે છતાં કંપની શરૂ ન થતા ગાયકવાડે પ્રશ્નો પૂછવાના શરૂ કર્યા હતા.
મહેતાએ ગાયકવાડને ફસાવતા કહ્યું હતું કે પવારને ગાયકવાડની દીકરીની કુંડળીમાં રાહુ દોષ જણાતા દક્ષિણેશ્વર કાલી મંદિરમાં પૂજા કરાવી પડશે. ગાયકવાડે મહેતાની વાત માનીને તે પૂજા પણ કરાવી. જોકે આ બધુ થયા છતાં કંપની શરૂ ન થતા અંતે ગાયકવાડને તેની સાથે છેતરપિંડી થયું હોવાનું ભાન થયું હતું અને તેણે સહાર પોલીસ સ્ટેશનમાં મહેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.