કામાઠીપુરામાં ઈમારતમાં આગ: કોઈ જખમી નહીં
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈના કામાઠીપુરા વિસ્તારમાં ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની રહેણાંક ઈમારતમાં સોમવારે મોડી રાતે આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જખમી થયું નહોતું.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ કમાઠીપુરામાં ગલી નંબર ૧૪માં મહારાષ્ટ્ર કૉલેજની પાછળ આવેલી પાઠારે બિલ્ડિંગ/ અલી અકબર ચાલના ત્રીજા માળે સોમવારે મોડી રાતના અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટના સ્થળે ફાયરબ્રિગેડના ત્રણ ફાયર ઍન્જિન પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
સૂત્રોના કહેવા મુજબ આગ લાગી ત્યારે ઈમારતમાં ૧૦થી ૧૨ લોકો ફસાઈ ગયા હતા. જોકે ફાયરબ્રિગેડે તેમને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. લગભગ બે કલાકની જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.