છેતરપિંડીના કેસમાં બિલ્ડર ટેકચંદાનીની ધરપકડ | મુંબઈ સમાચાર

છેતરપિંડીના કેસમાં બિલ્ડર ટેકચંદાનીની ધરપકડ

મુંબઈ: મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યુ)એ અનેક ફ્લૅટ ખરીદદારો સાથે કથિત છેતરપિંડી કરવાના કેસમાં બિલ્ડર લલિત ટેકચંદાનીની ધરપકડ કરી હતી.

ટેકચંદાનીને મંગળવારની સાંજે દક્ષિણ મુંબઈ સ્થિત ઈઓડબ્લ્યુની ઑફિસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. કલાકો સુધી પૂછપરછ કર્યા પછી રાતે તેની ધરપકડ કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

આર્થિક ગુના શાખા દ્વારા ટેકચંદાની અને અન્યો વિરુદ્ધ નોંધાયેલા છેતરપિંડી અને ફોર્જરીના કેસની તપાસ કરવામાં આવી રહી છે. ગયા સપ્તાહે જ અધિકારીઓએ ટેકચંદાનીની ઑફિસ અને ઘર સહિત ચાર સ્થળે સર્ચ હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે આ જ મહિને ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં ટેકચંદાની, તેની પત્ની, તેમની કંપની સુપ્રીમ ક્ધસ્ટ્રક્શન્સના ડિરેક્ટર્સ અને અન્યો વિરુદ્ધ ફર્સ્ટ ઈન્ફર્મેશન રિપોર્ટ (એફઆઈઆર) નોંધવામાં આવ્યો હતો. પોલીસ ફરિયાદ અનુસાર ટેકચંદાનીના નવી મુંબઈના તળોજા સ્થિત બાંધકામ પ્રોજેક્ટમાં ફરિયાદીએ 36 લાખ રૂપિયા રોક્યા હતા.

આ પ્રોજેક્ટમાં ફ્લૅટ ખરીદનારાઓને 2017 સુધીમાં ફ્લૅટ બંધાઈ જશે, એવી ખાતરી આપવામાં આવી હતી. જોકે 2016માં એકાએક બાંધકામ અટકાવી દેવાયું હતું. ત્યાર બાદ અનેક ખરીદદારોને કંપની દ્વારા ફ્લૅટ કે તેમની રોકાણ કરેલી રકમ ચૂકવવામાં આવી નહોતી, એવું ફરિયાદમાં જણાવાયું હતું.

ટેકચંદાની અને અન્યો વિરુદ્ધ નવી મુંબઈના તળોજા પોલીસ સ્ટેશનમાં વધુ એક એફઆઈઆર નોંધાયો હતો. ફરિયાદ અનુસાર નવી મુંબઈના ખારઘર સ્થિત આરોપીના હાઉસિંગ પ્રોજેક્ટમાં 160 ફ્લૅટ ખરીદદારો સાથે 44 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. (પીટીઆઈ)

Back to top button