બનાવટી પરવાનગીઓની મદદથી બાંધકામ કરી ફ્લૅટ્સ વેચનારા બિલ્ડરની ધરપકડ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

બનાવટી પરવાનગીઓની મદદથી બાંધકામ કરી ફ્લૅટ્સ વેચનારા બિલ્ડરની ધરપકડ

થાણે: મીરા રોડમાં બનાવટી પરવાનગીઓનો ઉપયોગ કરીને બાંધકામ કરાયેલા ફ્લૅટ્સ વેચી ખરીદદારો સાથે કરોડો રૂપિયાની કથિત છેતરપિંડી કરવાના આરોપસર પોલીસે રિયલ એસ્ટેટ કંપનીના ડિરેક્ટરની ધરપકડ કરી હતી.

મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસની અખબારી યાદીમાં જણાવાયું હતું કે ઓસવાલ બિલ્ડર્સ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર ઉમરાવ સિંહ પૃથ્વીરાજ ઓસવાલ વિરુદ્ધ બનાવટી સુધારિત બાંધકામ પરવાનગીઓ અને નકશા તૈયારી કરીને તે સાચા દસ્તાવેજો તરીકે રજૂ કરવાનો આરોપ છે.

મીરા રોડમાં બનાવટી મંજૂરીઓનો ઉપયોગ કરીને ઓસવાલ પેરેડાઈસ બિલ્ડિંગ નંબર-6માં મંજૂર કરાયેલા ફ્લૅટ્સ કરતાં વધુ ફ્લૅટ્સનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પછી આ વાતથી અજાણ ખરીદદારોને ફ્લૅટ્સ વેચીને કરોડો રૂપિયા પડાવવામાં આવ્યા હતા.

આ પ્રકરણે મીરા રોડના નયાનગર પોલીસ સ્ટેશનમાં 16 મેના રોજ છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જેની તપાસ આર્થિક ગુના શાખાને સોંપાઈ હતી.

આર્થિક ગુના શાખાની તપાસમાં આ છેતરપિંડીની પ્રવૃત્તિમાં ઓસવાલની સીધી સંડોવણી હોવાનું જણાયું હતું. પોલીસની ટીમ શનિવારે મીરા રોડમાં ઓસવાલના નિવાસસ્થાને પહોંચી ત્યારે તેણે છટકી જવાનો પ્રયાસ કર્યો હતો. પીછો કરીને અમુક જ અંતરે પકડી પાડવામાં આવેલા ઓસવાલને આર્થિક ગુના શાખાને સોંપાયો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે ઓસવાલ વિરુદ્ધ નવઘર, મીરા રોડ, નયાનગર અને કાશીમીરા સહિત વિવિધ પોલીસ સ્ટેશનોમાં 13 ફોજદારી ગુના નોંધાયેલા છે. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
(પીટીઆઈ)

આ પણ વાંચો…થાણેમાં રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારો પકડાયો

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button