મુંબઈ એરપોર્ટ પર બ્રાઝિલનો નાગરિક રૂ. 9.75 કરોડના કોકેઇન સાથે પકડાયો
મુંબઈ: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ના મુંબઈ ઝોનલ યુનિટે એરપોર્ટ પર રૂ. 9.75 કરોડના કોકેઇન સાથે બ્રાઝિલના નાગરિકની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ કાર્લોસ લિયાન્ડ્રો દા સિલ્વા બ્રુનો (34) તરીકે થઇ હોઇ તે કોકેઇન ભરેલી 110 કૅપ્સ્યૂલ્સ ગળી ગયો હતો અને જે. જે. હોસ્પિટલમાં ડોક્ટરોને તેના પેટમાંથી કૅપ્સ્યૂલ્સ કાઢવા માટે ત્રણ દિવસ લાગ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.
કાર્લોસ 8 મેએ સાઓ પાઉલોથી દોહા અને ત્યાર બાદ દોહાથી ફ્લાઇટ પકડીને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રી એરપોર્ટ પર આવ્યો હતો. ડીઆરઆઇના અધિકારીઓએ કાર્લોસને શંકાને આધારે આંતર્યો હતો. પૂછપરછમાં તેણે ડ્રગ્સ ભરેલી કૅપ્સ્યૂલ્સ ગળી ગયો હોવાની કબૂલાત અધિકારીઓ સમક્ષ કરી હતી. આથી મેજિસ્ટ્રેટનો આદેશ મેળવીને કાર્લોસની જે. જે. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
હોસ્પિટલમાં તેના પેટમાંથી 110 કૅપ્સ્યૂલ્સ કાઢવામાં આવીહતી, જેમાં 975 ગ્રામ કોકેઇન હતું અને તેની કિંમત રૂ. 9.75 કરોડ છે. આરોપીને સાઓ પાઉલોમાં તસ્કરોએ ડ્રગ્સ આપ્યું હતું, જે મુંબઈમાં પહોંચાડવાનું હતું. આ માટે તેને મોટું કમિશન મળવાનું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે 6 મેના રોજ મુંબઈ એરપોર્ટ પર આવેલા આફ્રિકન દેશ આઇવરી કોસ્ટથી આવેલા વિદેશી પ્રવાસીના પેટમાંથી 77 કૅપ્સ્યૂલ્સ કાઢવામાં આવી હતી, જેમાં રૂ. પંદર કરોડની કિંમતનું કોકેઇન મળી આવ્યું હતું.