સસૂન હોસ્પિટલના બંને ડોક્ટર સસ્પેન્ડ: ડીનને રજા પર ઉતારી દેવાયા
મુંબઈ: પુણેમાં પોર્શે કાર અકસ્માતમાં સંડોવાયેલા રિયલ એસ્ટેટ ડેવલપરના પુત્રને બચાવવા માટે લોહીના નમૂના બદલી નાખવા બદલ ધરપકડ કરાયેલા સસૂન જનરલ હોસ્પિટલના બંને ડોક્ટરને રાજ્ય સરકાર દ્વારા બુધવારે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જ્યારે હોસ્પિટલના ડીનને રજા પર ઉતારી દેવાયા હતા.
બી. જે. મેડિકલ કોલેજ એન્ડ સસૂન સિવિલ હોસ્પિટલના ડીન ડો. વિનાયક કાળેને ફરજિયાત રજા પર ઉતારી દેવાયા છે અને ડો. ચંદ્રકાંત મ્હસ્કેને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
હોસ્પિટલના ફોરેન્સિક મેડિસીન ડિપાર્ટમેન્ટના પ્રોફેસર અને પ્રમુખ ડો. અજય તાવરે અને મેડિકલ ઓફિસર ડો. શ્રીહરિ હલનોરને મહારાષ્ટ્ર તબીબી શિક્ષણ વિભાગના કમિશનરની ભલામણ પર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
રાજ્ય સરકારે તપાસ કરવા ત્રણ સભ્યની સમિતિ નીમી હતી. તેના અહેવાલને આધારે તબીબી શિક્ષણ વિભાગે બંને ડોક્ટરને સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કર્યો હતો, એમ તબીબી શિક્ષણ વિભાગના પ્રધાન હસન મુશરીફે જણાવ્યું હતું. (પીટીઆઇ)