બોરીવલી ધર્મશાળા નથી: ગોપાલ શેટ્ટીનો બળવો
અપક્ષ તરીકે ફોર્મ ભરવાનો નિર્ધાર
મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં ટિકિટ કપાઈ ત્યારથી નારાજ ભાજપના ઉત્તર મુંબઈના નેતા ગોપાલ શેટ્ટી હવે વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી ન મળતાં આક્રમક થયા છે અને તેમણે કહ્યું હતું કે બોરીવલી ધર્મશાળા નથી કે ગમે ત્યાંથી લાવીને અહીં ચૂંટણી લડાવી શકાય. જોકે, ભાજપના નિષ્ઠાવંત કાર્યકર્તા હોવાથી પક્ષ છોડશે નહીં એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવશે.
ભાજપે ત્રીજી ઉમેદવારોની યાદીમાં બોરીવલીથી ભાજપના મુંબઈ એકમના સેક્રેટરી સંજય ઉપાધ્યાયને ઉમેદવારી આપી હતી. બે ટર્મ સળંગ ચૂંટાયા બાદ લોકસભાની ચૂંટણીમાં તેમની ટિકિટ પિયુષ ગોયલ માટે કાપવામાં આવી હતી.
ત્યાર પછી ભાજપના રાજ્ય અને કેન્દ્ર સ્તરીય નેતાઓ સાથે અનેક બેઠકો કરી હોવાથી તેમને અહીંથી ઉમેદવારી પાકી માનવામાં આવી હતી. જોકે, પાર્ટીએ સંજય ઉપાધ્યાયને ઉમેદવારી આપી હતી, જેઓ બોરીવલીના રહેવાસી નથી.
આપણ વાંચો: વિધાનસભાની ચૂંટણીમાં શરદ પવારની ‘યંગ બ્રિગેડ’, યુવા ચહેરાઓની સંખ્યા વધુ
ગોપાલ શેટ્ટીએ કહ્યું હતું કે ભાજપને છોડવાનો મારો કોઈ ઈરાદો નથી. હું પાર્ટી સાથે જ રહીશ. જોકે, બોરીવલીના લોકો પાર્ટીના નિર્ણયથી નારાજ છે. ખાસ કરીને જ્યારે બે સ્થાનિક નામો વિચારણા માટે હતા.
પાર્ટી દ્વારા ઉમેદવારીની જાહેરાત કરવામાં આવ્યા બાદ શેટ્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને તેમણે પાર્ટીના નિર્ણયના વિરોધમાં ધરણાં કર્યા હતા.
ગોપાલ શેટ્ટીના કેટલાક ટેકેદારોએ જણાવ્યું હતું કે તેમણે શિવસેના (યુબીટી) અથવા તો અપક્ષ ચૂંટણી લડવી જોઈએ. જોકે, ગોપાલ શેટ્ટીએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ પાર્ટી છોડશે નહીં.
તેમણે કહ્યું હતું કે પહેલાં 2014માં વિનોદ તાવડેને ઉમેદવારી આપવામાં આવી, પછી સુનિલ રાણેને ઉમેદવારી આપવામાં આવી, ત્યારપછી 2024ની લોકસભા ચૂંટણીમાં પિયુષ ગોયલને ઉમેદવારી આપવામાં આવી. મેં તેમના માટે કામ કર્યું હતું, પરંતુ બોરીવલી ધર્મશાળા નથી, એમ તેમણે ભારપુર્વક કહ્યું હતું.