પૂર્વ ગર્લફ્રેન્ડની હત્યા: એન્જિનિયરની આજીવન કેદની સજા મુંબઈ હાઈ કોર્ટે રાખી યથાવત્…

મુંબઈ: 2008માં પુણેમાં પોતાની પૂર્વ ગર્લફ્રેન્ડ અને સાથીદારની નિર્દયતાથી હત્યા કરવાના કેસમાં સોફ્ટવેર એન્જિનિયરને ફટકારવામાં આવેલી સજા અને આજીવન કેદની સજા મુંબઈ હાઈ કોર્ટે યથાવત્ રાખી છે.
ન્યાયમૂર્તિ ગિરીશ કુલકર્ણી અને ન્યાયમૂર્તિ અદ્વૈત સેઠનાની ખંડપીઠે 26 સપ્ટેમ્બરે આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે તીવ્ર નફરત, ઈર્ષ્યા અને વેરથી પ્રેરિત એક યુવતીની નિર્દય હત્યાનો આ કેસ છે.
અદાલતે મધ્ય પ્રદેશના રહેવાસી મોહિન્દર મધુરેશ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દીધી હતી. અપીલમાં ડિસેમ્બર 2016માં સેશન્સ કોર્ટના તેને હત્યાના ગુનામાં દોષી ઠેરવી આજીવન કેદની સજા ફટકારવાના આદેશને પડકારવામાં આવ્યો હતો.
ફરિયાદ પક્ષના જણાવ્યા અનુસાર મધુરેશે 20 ઓક્ટોબર 2008ના દિવસે ખુશ્બુ મિશ્રાની હત્યા પુણેમાં તેના ફ્લેટમાં કરી હતી. તે સમયે બંને બાવીસ વર્ષના હતા અને નોકરી મેળવ્યા પછી પુણે ગયા હતા.
મધ્ય પ્રદેશમાં કોલેજના દિવસો દરમિયાન આ જોડી રિલેશનશિપમાં હતી. પુણે શિફ્ટ થયા બાદ મહિલાએ મતભેદને કારણે મધુરેશ સાથે બ્રેકઅપ કરતા તે ગુસ્સે થયો હતો. ત્યારબાદ તેણે તેને પરેશાન કરી ધમકી આપવાનું શરૂ કર્યું હતું.
(પીટીઆઈ)