BMC કમિશનર ઘોડા પર ઓફિસ જતા કેવા લાગશે! બોમ્બે હાઈકોર્ટે આવું કેમ કહ્યું

મુંબઈ: અતિક્રમણને કારણે મુંબઈના કેટલાક રસ્તાઓ સંકડા થઇ ગયા છે, જેને કારણે ટ્રાફિકની સમસ્ય ગંભીર બની છે. બોમ્બે હાઈકોર્ટે અતિક્રમણની નોંધ લીધી હતી અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે BMCને કહ્યું કે આવી જ પરિસ્થિતિ ચાલુ રહેશે તો નજીકના ભવિષ્યમાં કમિશનરને ઘોડા પર સવારી કરીને ઓફિસ જવું પડશે.
પવઈની એક શાળા દ્વારા દાખલ કરવામાં આવેલી એક અરજી પર સુનાવણી કરતા સમયે જસ્ટિસ રવિન્દ્ર ઘુઘે અને અભય મંત્રીની બેન્ચે આ ટીપ્પણી કરી હતી. શાળાની અરજીમાં કહેવામાં આવ્યું હતું કે અતિક્રમણ અંગે અગાઉ ઘણી ફરિયાદો કરવા છતાં, BMC દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. શાળાએ ન્યાયાધીશો સમક્ષ રસ્તા પર કરવામાં આવેલા અતિક્રમણના ફોટોગ્રાફ રજૂ કર્યા.
કોર્ટે હિરાનંદાની વિસ્તારમાં 90 ફૂટ પહોળા રોડ અતિક્રમણ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. શાળાએ કહ્યું કે ફૂટપાથ પર ઝૂંપડપટ્ટીઓ બની જતાં, શાળાના બાળકો સહિત અન્ય લોકોને તકલીફ થઇ રહી છે.
BMCકમિશનર ઘોડા પર કેવા લાગશે!
ન્યાયાધીશ ઘુઘેએ BMCને ફટકાર લગાવતા કહ્યું, “આ રોડ પર એકસાથે ચાર કાર પસાર થઇ શકે એમ છે, પરંતુ હાલની પરિસ્થિતિ જોઈએ તો માત્ર એક જ લેન જેટલી જગ્યા બચી છે. આવનારા વર્ષોમાં શું થશે? લોકોએ મોટરસાયકલ છોડીને સાયકલનો ઉપયોગ કરવો પડશે, શ્રેષ્ઠ વિકલ્પ ઘોડો છે… ઘોડો ભીડવાળી જગ્યામાંથી પસાર થઇ શકે છે. કલ્પના કરો કે તમારા (BMCના) કમિશનર ઘોડા પર બેસીને તેમની ઓફિસ જઈ રહ્યા છે, તેઓ કેવા લાગશે!”
નારાજગી વ્યક્ત કરતા ન્યાયધીશે કહ્યું, “મુંબઈમાં આ શું થઈ રહ્યું છે? રોડ બનતાની સાથે જ લોકો તેના પર કબજો જમાવી લે છે. રસ્તો આટલો સુંદર છે, પણ તમે તેનું શું કર્યું? અમે મ્યુનિસિપલ કમિશનર અથવા અન્ય કોઈપણ અધિકારીને કોર્ટમાં બોલાવી શકીએ છીએ અને સ્પષ્ટતા માંગી શકીએ છીએ.”



