બોમ્બે હાઈકોર્ટે અનિલ અંબાણીને રાહત આપી; MMRDAને ₹1169 કરોડ ચૂકવવા આદેશ

મુંબઈ: છેલ્લા કેટલાક વર્ષોથી મુશ્કેલ આર્થિક સ્થિતિમાંથી પસાર થઇ રહેલી અનિલ અંબાણીની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર(Reliance Infrastructure)ને મોટી રાહત મળી છે. મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) સાથેના વિવાદ કેસમાં બોમ્બે હાઈકોર્ટે રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તરફેણમાં ચુકાદો આપ્યો છે. કોર્ટે MMMRDA ને આદેશ આપ્યો છે કે મુંબઈ મેટ્રો વન પ્રાઈવેટ લિમિટેડ (MMOPL)ના અકાઉન્ટમાં ₹1,169 કરોડ 4 અઠવાડિયામાં જમા કરાવે.
MMOPL એ રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને MMRDA વચ્ચેનું સંયુક્ત સાહસ છે. MMOPL વર્સોવા-અંધેરી-ઘાટકોપર કોરિડોર પર મુંબઈની પ્રથમ મેટ્રો લાઇનનું સંચાલન કરે છે. MMOPLમાં રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો 74 ટકા હિસ્સો છે, જ્યારે બાકીનો હિસ્સો MMRDA પાસે છે.
પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ(PPP) મોડેલ પર બનાવવામાં આવેલી મુંબઈ મેટ્રો લાઈન 1 (વર્સોવા-અંધેરી-ઘાટકોપર) પ્રોજેક્ટ મામલે MMRDA અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વચ્ચે વિવાદ થયો હતો. આ પ્રોજેક્ટ MMOPL દ્વારા ડેવલોપ કરવામાં આવ્યો હતો અને તેનું ઓપરેશન MMOPL દ્વારા કરવામાં આવે છે. પ્રોજેક્ટની કિંમત અને ચુકવણી અંગે MMRDA અને રિલાયન્સ ગ્રુપ વચ્ચે વિવાદ થયો હતો.
રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરએ દાવો કર્યો હતો કે તેણે પ્રોજેક્ટમાં ઘણું રોકાણ કર્યું હતું પરંતુ તેના બદલામાં અપેક્ષિત રકમ ચૂકવવામાં આવી ન હતી. બોમ્બે હાઈકોર્ટે આ દાવા માન્ય રાખ્યા અને MMRDA ને ₹1,169 કરોડ જમા MMOPLના ખતામાં 4 અઠવાડિયાની અંદર ચૂકવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ ચુકવણી કાયદાકીય અને કરારની શરતો અનુસાર વાજબી છે.
આપણ વાંચો: તમારા ઘર નજીકના રસ્તા પર ખાડા પડ્યા છે?
રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે જણાવ્યું હતું કે આ રકમનો ઉપયોગ MMOPLનું દેવું ઘટાડવા માટે કરવામાં આવશે.
કોર્ટના આ ચુકાદાને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મોટી રાહત માનવામાં આવે છે. આ નિર્ણયથી કંપનીની નાણાકીય સ્થિતિ મજબૂત થવાની અપેક્ષા છે.