મુંબઈ લોકલ ટ્રેન બોમ્બ બ્લાસ્ટ મામલે બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો; 11 આરોપીઓ નિર્દોષ જાહેર

મુંબઈ: વર્ષ 2006માં મુંબઈ લોકલ ટ્રેનમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ મામલે (Local Train Blast 2006) બોમ્બે હાઈકોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. આજે બોમ્બે હાઈકોર્ટે બ્લાસ્ટ કેસમાં તમામ 11 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. અહેવાલ મુજબ હાઈ કોર્ટનાં જસ્ટિસ અનિલ કિલોર અને જસ્ટિસ એસ.જી. ચાંડકની ડિવિઝન બેન્ચે ચુકાદો સંભળાવ્યો છે.
લોકલ ટ્રેનમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસમાં અગાઉ નીચલી અદાલત કુલ 12 આરોપીઓને દોષિત જાહેર કર્યા હતાં, જેમાંથી 5 ને મૃત્યુદંડ અને 7 ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ ચુકાદાને બોમ્બે હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જોકે, હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન એક આરોપીનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.
આપણ વાંચો: વિધાનસભામાં પાશવી બહુમત મળ્યા બાદ પણ ભાજપને મુંબઈમાં પરાજયનો ડર?
હવે બોમ્બે હાઈકોર્ટે 11 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.
નીચલી અદાલતના આદેશને ઉલટાવતાં, હાઇકોર્ટ બેન્ચે કહ્યું કે ફરિયાદ પક્ષ આરોપીઓ સામે કેસ સાબિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. બેન્ચે કહ્યું “આરોપીઓએ ગુનો કર્યો છે એ માનવું મુશ્કેલ છે. તેથી, તેમની સજા રદ કરવામાં આવે છે.”
11 જુલાઈ 2006ના રોજ મુંબઈની અલગ અલગ લોકલ ટ્રેનમાં 11 મિનીટની અંદર સાત બોમ્બ બ્લાસ્ટ થયા હતાં, જેમાં 189 લોકોના મોત થયા હતા અને 800 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. વધુ નુકશાન થાય એ માટે રીગ્ડ પ્રેશર કુકરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.