મુંબઈના BSE ટાવર અને દિલ્હીની શાળા-કલેજમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી; ઈમેઈલ મળતા ખળભળાટ

મુંબઈ-દિલ્હી: આજે મંગળવારે સવારે મુંબઈના બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના બિલ્ડીંગમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા ભાગદોડ મચી ગઈ (Bomb blast threat in BSE building) હતી. આજે સવારે BSEને ધમકીભર્યો ઈમેલ મળ્યો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે બિલ્ડિંગમાં ચાર RDX IED બોમ્બ લગાવવામાં આવ્યા છે અને તે બપોરે 3 વાગ્યે ફૂટશે. દિલ્હીની એક શાળા અને એક કોલેજમાં પણ બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી છે.
બોમ્બ બ્લાસ્ટની ધમકી ભર્યો ઈમેઈલ ળતાં જ, BSE અધિકારીઓએ પોલીસને જાણ કરી. લોકલ પોલીસની ટીમો અને બોમ્બ સ્ક્વોડ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને પરિસરની સંપૂર્ણ તપાસ હાથ ધરી હતી.
બિલ્ડીંગની સંપૂર્ણ તપાસ બાદ આ ધમકી પોકળ સાબિત થઇ હતી, મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, “કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી.”
“કોમરેડ પિનરાયી વિજયન” નામના આઈડી પરથી આ ધમકીભર્યો ઈમેઈલ મોકલવામાં આવ્યો હતો, નોંધનીય છે કે પિનરાયી વિજયન કેરળના મુખ્ય પ્રધાન છે. પોલીસે આપેલી માહિતી મુજબ, આ એક બનાવટી મેઇલ છે અને આરોપીએ અગાઉ પણ આવો મેઇલ મોકલી ચુક્યો છે.
માતા રમાબાઈ આંબેડકર માર્ગ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 351(1)(b), 353(2), 351(3), અને 351(4) હેઠળ અજાણ્યા શખ્સ સામે કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીની ઓળખ માટે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
દિલ્હીમાં પણ બોમ્બ બ્લાસ્ટની ધમકી:
આજે મંગળવારે સવારે દિલ્હીની એક શાળા અને એક કોલેજને બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી હતી, બે દિવસમાં આ પ્રકારની બીજી ધમકી છે. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ દ્વારકા વિસ્તારમાં આવેલી સેન્ટ થોમસ સ્કૂલ અને સેન્ટ સ્ટીફન કોલેજને ધમકીભર્યા ઈમેલ મળ્યા હતાં. શાળા અને કોલેજ ખાલી કરાવવામાં આવી છે.
દિલ્હી પોલીસ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, દિલ્હી ફાયર બ્રિગેડ ટીમ અને સ્પેશિયલ સ્ટાફ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અત્યાર સુધી, પોલીસને કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી.
આપણ વાંચો: મુંબઈ નજીકના ચિંચોટી વોટર ફોલમાં ડુબવાથી બે યુવકના મોત
સોમવારે, દ્વારકા સેક્ટર 16 માં આવેલી સીઆરપીએફ પબ્લિક સ્કૂલ અને ચાણક્યપુરીમાં આવેલી નેવી સ્કૂલને પણ આવી જ ધમકીઓ મળી હતી.
નોંધનીય છે કે સોમવારે પંજાબના અમૃતસરમાં આવેલા પ્રતિષ્ઠિત સુવર્ણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, આ મામલે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC) એ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.