BMC ચૂંટણી: ભાજપ-શિવસેના વચ્ચે સીટ શેરિંગનો કોયડો ઉકેલાયો, જાણો કોણ કેટલી બેઠકો પર લડશે?

મુંબઈ: બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની ચૂંટણી 15 જાન્યુઆરીના રોજ યોજાવાની છે, જેના માટે ઉમેદવારી પત્રક ભરવાનો આજે છેલ્લો દિવસ છે, તેના દિવસ પહેલા ગઈ કાલે સોમવારે મહાયુતિ ગઠબંધને સીટ શેરીંગ ફોર્મ્યુલાને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. સમજુતી મુજબ ભાજપ 137 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે શિવસેના 90 બેઠકો પર ચૂંટણી લડશે
મુંબઈ ભાજપ પ્રમુખ અમિત સાટમે એ સોમવારે બેઠક વહેંચણી અંગે થયેલી સમજુતીની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે બંને પક્ષો તેમના સંબંધિત ક્વોટામાંથી કેટલીક બેઠકો ગઠબંધનના ભાગીદારોને ફાળવશે. આજે બંને પક્ષોના ઉમેદવારો ઉમેદવારી પત્રો ભરશે.
મતભેદો ઉકેલાયા:
તાજેતરમાં અહેવાલો હતાં કે સીટ શેરીંગ મામલે મહાયુતિ ગઠબંધન તકરાર ચાલી રહી છે. એવા અહેવાલો હતાં કે શિવસેના 100 બેઠકો પર ચૂંટણી લડવા ઈચ્છે છે, પરંતુ ભાજપે શિવસેનાને માત્ર 75 બેઠકો ઓફર કરી રહી હતી. પરંતુ ચર્ચા બાદ બંને પક્ષોએ મતભેદો ઉકેલ્યા છે. મુંબઈ ઉપરાંત અન્ય મહત્વપૂર્ણ મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે સીટ શેરીંગને અંતિમ રૂપ આપવામાં આવ્યું છે.
નોંધનીય છે કે મહાયુતિનો અન્ય એક પક્ષ NCP સ્વાતંત્ર રીતે BMC ચૂંટણી અલગથી લડી રહ્યો છે, NCPએ અત્યાર સુધીમાં 64 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
15 જાન્યુઆરીનાં રોજ મુંબઈ સહીત મહારાષ્ટ્રની 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણીઓ યોજાશે અને બીજા દિવસે 16 જાન્યુઆરીનાં રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.
તાજેતરમાં મહારાષ્ટ્રમાં 288 નગર પરિષદો અને નગર પંચાયતોની ચૂંટણીમાં મહાયુતિએ 207 પર જીત મળેવી હતી.
આ પણ વાંચો…પહેલા દિવસે મોટા પક્ષોએ માત્ર ૧૪ ગુજરાતી-મારવાડીઓને ઉમેદવારી આપી



