BMC ચૂંટણી: બેઠક વહેંચણીમાં અન્યાય થતા આઠવલે નારાજ, 39 બેઠક પર ‘મૈત્રીપૂર્ણ લડાઈ’ની જાહેરાત કરી

મુંબઈઃ બીએમસીની ચૂંટણી માટે પક્ષો દ્વારા બેઠક ફાળવણી થઈ રહી છે. ત્યારે મહાયુતિનાં સાથી પક્ષોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આરપીઆઈ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ રામદાસ આઠવલે બેઠક ફાળવણીને લઈને નારાજ છે. તેમણે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે,ભાજપે મોડી રાત્રે ફક્ત 7 બેઠકોનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ હવે ઓછા સમયમાં નવી જગ્યાએ ઉમેદવારો ઉભા રાખવા અશક્ય છે.
મુંબઈમાં અમારી તાકાત વંચિત બહુજન આઘાડી (VBA) કરતા વધારે હોવા છતાં, અમને બેઠકોની ફાળવણીમાં બાકાત રાખવામાં આવ્યા, જેના કારણે સમગ્ર મહારાષ્ટ્રમાં RPI કાર્યકરોમાં ભારે રોષ છે. તેમણે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે 39 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની સામાન્ય ચૂંટણીઓ માટે રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા દ્વારા 39 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. અમે બીજા નેતાઓ જેવા નથી જે વારંવાર તોડી-મરોડીને વાત કરે અથવા અનુકૂળતા મુજબ ભૂમિકા બદલે. મૂળભૂત રીતે, અમે પક્ષ, કાર્યકરો અને તેમના આત્મસન્માનને ભૂલીને સમાધાન કરતા નથી, કારણ કે કાર્યકરોની તાકાત એ જ પક્ષની ખરી તાકાત છે, તેથી અમે કાર્યકરોના સન્માન અને પક્ષના અસ્તિત્વને જોખમમાં મૂકીને કોઈ પગલું નહીં ભરીએ. અમારો શબ્દ અને અમારી વફાદારી મક્કમ છે, એમ આઠવલેએ મહાયુતિના નેતાઓને જણાવ્યું હતું.
રામદાસ આઠવલેએ શું કહ્યું?
વ્યાપક પરિપ્રેક્ષ્યમાં આંબેડકર સમાજની સત્તામાં ભાગીદારી રહે અને તેના દ્વારા સામાન્ય લોકોનું કાર્ય અવિરત ચાલુ રહે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વાતને ધ્યાનમાં રાખીને, અમે મહાયુતિ સાથે રહેવાનો નિર્ણય લીધો છે. ચૂંટણી પરિણામો પછી વધુ નિર્ણયો લઈશું, પરંતુ અત્યારે સ્પષ્ટ છે કે અમે 38થી 39 બેઠક પર ‘મૈત્રીપૂર્ણ લડાઈ’ લડીશું. અમારો ટેકો હંમેશા મહાયુતિને રહેશે, પણ RPI આ બેઠક પર પોતાની તાકાત બતાવશે.
મહાયુતિની રચના થઈ ત્યારથી, અમે ખૂબ જ પ્રામાણિકતા અને મક્કમતાથી સાથે છીએ, પરંતુ આજે બેઠકોની વહેંચણીના સંદર્ભમાં જે બન્યું છે તે ખરેખર વિશ્વાસઘાત છે. ગઈકાલે ચર્ચા માટે સાંજે 4 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ સાથી પક્ષોએ તેનું પાલન કર્યું નહીં. આ માત્ર સમયનો બગાડ જ નથી પણ અમારા આત્મસન્માન પર હુમલો છે.
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હું મારા કાર્યકરો તરફથી આ અપમાન ક્યારેય સહન કરીશ નહીં. એટલા માટે આજે મારા કાર્યકરો જે પણ નિર્ણય લેશે તે હું સંપૂર્ણપણે સ્વીકારીશ.



