મહાનગર પાલિકા સંગ્રામઃ (ના)રાજીનામાંની સંગીત ખુરશી

- બીએમસી ચૂંટણીમાં ટિકિટ ન મળતાં ભલભલા ઉમેદવારોની એક પક્ષમાંથી બીજામાં કૂદાકૂદની શરૂઆત થઈ ગઈ છે: બળવાના ભયે પક્ષો પણ ચૂપચાપ ‘એબી’ ફૉર્મ આપી રહ્યા છે:
- બીજી તરફ, બળવાખોરને બીજો પક્ષ ટિકિટ આપવા તત્પર બેઠો હોય એવું લાગે છે: આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચૂંટણી જાહેર થયા પછી રાજકીય પક્ષો અને કાર્યકરોના ધમપછાડા ચાલુ થયા હતા, જે હવે ચરમસીમાએ પહોંચી રહ્યા છે. મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે પક્ષો દ્વારા ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવી એની સાથે ભલભલા ઉમેદવારોની એક પક્ષમાંથી બીજામાં કૂદાકૂદ ચાલુ થઈ ગઈ છે. ભાજપ, શિંદેસેના અને મનસે દ્વારા તો હજુ સત્તાવાર યાદીની જાહેરાત પણ નથી કરાઈ ત્યાં જ નારાજ ઉમેદવારો વચ્ચે રાજીનામાંની સંગીત ખુરશી રમાવા લાગી છે. બળવાના ભયે પક્ષો દ્વારા ચૂપચાપ ‘એબી’ ફૉર્મ આપવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ, બળવાખોરોને પોતાના પક્ષમાં સમાવી તેમને ટિકિટ આપવા પક્ષો તત્પર હોવાનું ચિત્ર ઊભું થયું છે.
મહાપાલિકાની ચૂંટણીને પગલે અનેક રાજકીય ઊથલપાથલ અને નાટ્યાત્મક ઘટમાળ જોવા મળી રહી છે. મહાયુતિ તરીકે માત્ર એક જ મહાપાલિકામાં સીટની વહેંચણીની ફોર્મ્યુલા ફાઈનલ થઈ છે. અન્ય મહાપાલિકાની વાત કરીએ તો ક્યાંક ચર્ચા ચાલુ છે તો ક્યાંક અલગ જ યુતિ જોવા મળી રહી છે.
છેલ્લા કેટલાક દિવસથી ઉમેદવારોની પસંદગી મુદ્દે તર્કવિતર્ક લગાવાઈ રહ્યા છે, પરંતુ સોમવારથી પક્ષો દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવતાં નારાજ ઉમેદવારો પોતાનો પક્ષ છોડી બીજા પક્ષો તરફ ભાગી રહ્યા છે. આમાં સૌથી મોટો ફટકો ભાજપને બોરીવલીમાં લાગ્યો હતો. ગુજરાતી બહુમતીવાળો વિસ્તાર ગણાતો બોરીવલી ભાજપનો ગઢ બની ગયો હતો, પરંતુ હવે આ ગઢના કાંગરા ખરવા લાગ્યા છે. બોરીવલીનાં ભાજપનાં ભૂતપૂર્વ નગરસેવિકા આસાવરી પાટીલને ટિકિટ ન મળતાં સોમવારે તે શિવસેના (યુબીટી)માં જોડાયાં હતાં અને સૌના આશ્ર્ચર્ય વચ્ચે મહાપાલિકા માટે તેમને ઉમેદવારી પણ આપવામાં આવી હતી.
અત્યાર સુધીમાં આસાવરી પાટીલ સહિત ઘાટકોપરના રાખી જાધવ અને વિક્રોલીનાં મનીષા રહાટેનું નામ સામે આવ્યું છે. એનસીપી (એસપી)નાં ભૂતપૂર્વ નગરસેવિકા રાખી જાધવ ભાજપમાં જોડાયાં હતાં તો મનીષા રહાટે અજિત પવાર જૂથમાં જોડાયાં હતાં. પક્ષમાં જોડાતાં જ તેમને ટિકિટ પણ મળી હોવાનું ચર્ચાતું હતું.
આ વખતની ચૂંટણીમાં ભાજપે મરાઠી અભિનેત્રી નિશા પરુળેકરને ઉમેદવારી આપતાં કાર્યકરો ચોંકી ઊઠ્યા હતા. પરુળેકરને વૉર્ડ નંબર-25માંથી ટિકિટ આપવામાં આવી હતી.
આવા બીજા પણ ઉમેદવારો છે, જે નારાજ થવાને કારણે પોતાના પક્ષને બાય બાય કરી બીજા પક્ષમાં જોડાઈ રહ્યા છે. મજાની વાત એટલે બળવાખોરોને પોતાના પક્ષમાં સમાવી લઈને તેમને ટિકિટ પણ આપવામાં આવી રહી છે. હાલના તબક્કે શિંદેસેનાના પાંચ જાણીતા ચહેરા ઠાકરેના સંપર્કમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
દરમિયાન યુબીટી દ્વારા પણ ચૂંટણી ઉમેદવારોનાં નામની યાદી જાહેર કરવાને બદલે માતોશ્રીમાં બેઠક યોજીને સીધાં એબી ફૉર્મ આપવામાં આવ્યાં હોવાનું કહેવાય છે. ઉમેદવારો બળવો ન કરે તે માટે અન્ય પક્ષો પણ આ તરકીબ અજમાવી રહ્યા છે. યાદી જાહેર કરવા પહેલાં ઉમેદવારોને એબી ફૉર્મ આપી રહ્યા છે. મંગળવારે ઉમેદવારીપત્રો ભરવાનો છેલ્લો દિવસ હોવાથી હજુ રાજકીય ચિત્ર બદલાવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.



