ચૂંટણીઃ મીરા રોડની સોસાયટીનો આકરો નિર્ણય: ‘નો હેલ્પ, નો વોટ’, નેતાઓને નો એન્ટ્રી, જાણો કેમ?

મુંબઈ/મીરા રોડઃ મુંબઈ મહાનગર પાલિકા સહિત મહારાષ્ટ્રમાં નગરપાલિકાની ચૂંટણી પંદરમી જાન્યુઆરીના યોજવામાં આવશે. આ વખતની પાલિકાની ચૂંટણીમાં મતદારોની પસંદગી માટે એક કરતા અનેક પાર્ટી મેદાનમાં છે, પરંતુ મુંબઈમાં અનેક રહેવાસીઓમાં નેતાઓ અને પાર્ટી પ્રત્યે નારાજગી છે. મુંબઈ હોય કે મીરા રોડ યા વસઈ-વિરાર કે કલ્યાણ-ડોંબિવલી, પરંતુ અનેક વિસ્તારોમાં લોકોની સમસ્યા પ્રત્યે અવગણના કરવાને કારણે નેતાઓ પ્રત્યે અણગણો વ્યક્ત કરવામાં આવ્યો છે ત્યારે મીરા રોડની એક સોસાયટીના રહેવાસીઓએ નેતાઓની વિરુદ્ધમાં મોરચો ખોલ્યો છે. શું છે મામલો વિગતવાર જાણીએ.
ફરિયાદ છતાં સમસ્યાનો ઉકેલ નહીં
મીરા રોડની ઈન્દ્રપ્રસ્થ સોસાયટીના 800થી વધુ રહેવાસીઓએ નેતાઓની એન્ટ્રીમાં પ્રતિબંધ મૂક્યો છે. મંદિર પરિસરમાં મોડી રાત સુધી ચાલતા લગ્નસમારંભને કારણે રહેવાસીઓને હેરાનગતિ થાય છે, પરંતુ સ્થાનિક પ્રશાસન અને નેતાઓ પણ નોઈઝ પોલ્યુશનનો ઉકેલ લાવી શક્યા નથી. વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા આ વખતની ચૂંટણી પૂર્વે સ્થાનિકોએ ઉમેદવારોને સોસાયટીમાં એન્ટ્રી બેન કરી દીધી છે.
‘નો હેલ્પ નો વોટ’, નેતાઓને ‘નો-એન્ટ્રી’
ઈન્દ્રપ્રસ્થ સોસાયટીની સામે બાપા સિતારામનું મંદિર છે. મંદિરના પરિસરમાં થનારા લગ્ન અને અન્ય કાર્યક્રમોના અવાજને કારણે લોકોને હેરાનગતિ પડે છે. લગ્નપ્રસંગોને કારણે કાન ફાડી નાખે એટલા જોરથી મ્યુઝિક વગાડવાની સાથે ફટાકડાં ફોડવાને કારણે સોસાયટીના રહેવાસીઓ પરેશાન છે. આ સમસ્યા મુદ્દે પોલીસ પ્રશાસનની સાથે દરેક નેતાઓને પણ અનુરોધ કરવામાં આવ્યો છે, પરંતુ આ મુદ્દે ઉકેલ આવ્યો નથી. નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવતા રહેવાસીઓએ આ વખતે રીતસર રાજકારણીઓનો બહિષ્કાર કર્યો છે. રહેવાસીઓએ નો હેલ્પ, નો વોટ અને નેતાઓને નો એન્ટ્રીનું વલણ અપનાવ્યું છે.
દિવાળી-નવરાત્રીમાં નિયમો લાગે તો પછી?
અન્ય રહેવાસીએ કહ્યું હતું કે નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવે છે. રહેવાસીઓએ કહ્યું હતું કે નવરાત્રી હોય કે દિવાળી જેવા તહેવારોમાં જો રાતના દસ વાગ્યા સુધી મ્યુઝિક પર પ્રતિબંધ મૂકવામાં આવે તો લગ્ન માટે કેમ નિયમો લાગતા નથી. લગ્નને કારણે મોડી રાત સુધી ડીજે અને બેન્ડ વગાડવામાં આવે છે, પરંતુ તેમને રોકનાર કેમ હોતા નથી. મંદિરની આસપાસના પરિસરમાં અનેક વખત ટ્રાફિકજામ પણ થાય છે, જેથી વયોવૃદ્ધ લોકોને અવરજવર કરવામાં હાલાકી પડે છે, પરંતુ એનો ઉકેલ આવતો નથી એ દુખની બાબત છે.
આ પણ વાંચો…BMC કમિશનરની હાઈ કોર્ટમાં કબૂલાત: કોર્ટ કર્મચારીઓને ચૂંટણી ફરજ સોંપવી એ મોટી ભૂલ હતી…



