BMC Education Budget: 1.7 લાખ વિદ્યાર્થીને ડિક્શનરી આપવા સાથે 200 સ્કૂલમાં જિમ્નેશિયમ બનાવાશે

મુંબઈઃ વર્ષ ૨૦૨૪-૨૫ માટે બીએમસી (મુંબઈ મહાનગર પાલિકા)ના એજ્યુકેશન બજેટમાં લગભગ રૂ. ૧૫૦ કરોડનો વધારો જોવા મળ્યો હતો. એજ્યુકેશન બજેટનો અંદાજ ગયા વર્ષના રૂ. ૩,૩૭૦ કરોડથી વધીને રૂ. ૩૪૯૭.૮૨ કરોડ કરવામાં આવ્યો છે.
શુક્રવારે સવારે એડિશનલ મ્યુનિસિપલ કમિશનર અશ્વિની ભીડે દ્વારા મ્યુનિસિપલ કમિશનર આઈએસ ચહલની સમક્ષ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. શિક્ષણ બજેટ હેઠળના નવા પ્રોજેક્ટ્સમાં, બીએમસી એ બે શાળાઓમાં સફળ પ્રાયોગિક પહેલ પછી એક સજીવ ખેતી (કિચન પ્રોજેક્ટ) પ્રોજેક્ટની જાહેરાત કરી છે.
બીએમસીએ ધોરણ પાંચથી ૧૦ના લગભગ ૧.૭ લાખ વિદ્યાર્થીઓને આધુનિક સ્કૂલ ડિક્શનરી પ્રદાન કરવા, ૨૦૦ શાળાઓમાં ઓપન જિમ્નેશિયમ સ્થાપવા, દસ્તાવેજોને ડિજિટાઇઝ્ડ ફોર્મેટમાં સાચવવા અને ધોરણ ૯ અને દસના વિદ્યાર્થીઓ માટે લેખન અને વાતચીત કુશળતા કેળવવા માટે વ્યાકરણના પુસ્તકો ખરીદવાની દરખાસ્ત કરી છે.
પ્રાયોગિક ધોરણે ૨૫ શાળાઓના પ્રાથમિક વિભાગોમાં નવીન ગણિત અને વિજ્ઞાન કેન્દ્ર સ્થાપવા માટે રૂ. ૪.૫ કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.