મુંબઈના ગિરગાંવ ચોપાટીમાં બ્લુ બોટલ જેલીફિશ જોવા મળી…

મુંબઈ: છેલ્લા બે-ત્રણ દિવસથી મુશળધાર વરસાદ અને દરિયામાંથી જમીન તરફ ફૂંકાતા પવનને કારણે ગિરગામ ચોપાટી પર જેલીફિશ જેવી ઝેરીલી બ્લુ બોટલની હાજરી વધી છે. દર વર્ષે આ અરસામાં મુંબઈના દરિયાકિનારે બ્લુ બોટલ જોવા મળે છે અને અનેક પ્રવાસીઓને એ કરડી હોવાની ઘટના બની છે.
બ્લુ બોટલ એક દરિયાઈ જીવ છે અને એનું નામ તેના આકાર અને દેખાવ પરથી રાખવામાં આવ્યું છે. અસંખ્ય વાદળી દોરા અને તેના પર હવાથી ભરેલા અપારદર્શક ફુગ્ગાને કારણે બ્લુ બોટલ સમુદ્રમાં તરતી રહે છે.
મુંબઈના દરિયાઈ જીવસૃષ્ટિમાં ત્રણ પ્રકારના જેલી જેવા જીવો જોવા મળે છે. ચોમાસા પહેલાં ‘બ્લુ બટન’, ચોમાસામાં ‘બ્લુ બોટલ’ અને વરસાદ ઓછો થતાં દરિયાકાંઠે ‘બોક્સ’ જેલી જેવા જીવો જોવા મળે છે. બ્લુ બોટલ ઝેરી હોય છે.
બે દિવસ પહેલા વાઇલ્ડલાઇફ અને મરીન રિસર્ચર સાહિર દોશીએ ગિરગામ ચોપાટીના દરિયાકિનારે બ્લુ કલરની બોટલ જોઇ હતી. બ્લુ બોટલના ડંખને કારણે સોજો આવી જાય છે અને ખૂબ જ દુખાવો થાય છે.
ડંખના કિસ્સામાં સમયસર તબીબી સારવાર લેવી મહત્વપૂર્ણ છે. યોગ્ય સારવારથી એકથી બે કલાકમાં દુખાવો ઓછો થઇ જાય છે અને ઇજા ઠીક થઇ જાય છે.
આ પણ વાંચો…કફ પરેડ નામ, મી. ટી. ડબલ્યુ. કફની યાદમાં આપવામાં આવ્યું છે