BKCમાં પોડ ટેક્સીને ‘ગ્રીન સિગ્નલ’, પણ ભોગ લેવાશે આટલા વૃક્ષોનો?
પ્રસ્તાવિત પ્રોજેક્ટનો ઉદ્દેશ બિઝનેસ હબ સાથે 'કનેક્ટિવિટી' વધારવાનો

મુંબઈઃ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) વિસ્તાર એ મુંબઇનું બિઝનેસ હબ છે. ઘણી મલ્ટિનેશનલ કંપનીઓ, બેન્કની હેડ ઓફિસ આ વિસ્તારમાં આવેલી છે. લાખો નોકરિયાતો રોજ BEST બસો, ઓટો-રિક્ષાઓ અને ટેક્સીઓ પર આધાર રાખીને BKC પહોંચે છે.
ઘણા લોકો અનિયમિત બસ સેવાઓ અને બાંદ્રા અને કુર્લા રેલવે સ્ટેશનથી ટૂંકા અંતર માટે ઓટો ડ્રાઇવરો દ્વારા વસૂલવામાં આવતા ઊંચા ભાડાની ફરિયાદ કરે છે. આના ઉપાયરૂપ બીકેસી ખાતે લાંબા સમયથી પડતર ઓટોમેટેડ માસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (MRTS), જે પોડ ટેક્સી પ્રોજેક્ટ તરીકે જાણીતી છે તેને દરિયાકાંઠાના પર્યાવરણનું રક્ષણ કરવાની જવાબદારી મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી (MCZMA) તરફથી મંજૂરી મળી ગઈ છે.
પ્રોજેક્ટ ત્રણ વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા
₹ 1,016.34 કરોડનો અંદાજિત આ પ્રોજેક્ટ ત્રણ વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે, અને તેનો ઉદ્દેશ્ય બિઝનેસ હબ સાથે કનેક્ટિવિટી વધારવાનો છે, જે અંદાજે 400,000 થી 600,000 દૈનિક મુસાફરોને સેવા પૂરી પાડશે. આ પહેલ પરિવહન પડકારોને હળવો કરશે સાથે, તે દરિયાકાંઠાની ઇકોસિસ્ટમ પર ગંભીર પર્યાવરણીય અસર પણ ઉભી કરશે.
વૃક્ષો કાપવાની પરવાનગી માટે ટ્રી ઓથોરિટીનો સંપર્ક
MCZMA દ્વારા મંજૂર કરાયેલા પ્રસ્તાવ મુજબ 0.14 હેક્ટર મેન્ગ્રોવ્સ પ્રભાવિત થશે અને 431 વૃક્ષો કાપવા પડશે. પ્રોજેક્ટ એલાઈનમેન્ટનો લગભગ 58.48 મીટર ભાગ BKC નજીકના કાંઠે આવેલા મેન્ગ્રોવ વિસ્તારો પરથી પસાર થશે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) એ વૃક્ષો કાપવાની પરવાનગી માટે ટ્રી ઓથોરિટીનો સંપર્ક કર્યો છે.
ઓથોરિટીની ઓટોમેટેડ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમની વિચારણા
MMRDA દ્વારા MCZMAને આપવામાં આવેલા પ્રસ્તાવમાં જણાવાયું છે કે BKC માં પરંપરાગત જાહેર પરિવહન વિકલ્પો ઓછા છે અને બળતણની દ્રષ્ટિએ મોંઘા પડે એમ છે. ખાસ કરીને પીક અવર્સ ન હોય ત્યારે મોટી બસો લગભગ ખાલી દોડે છે. આના ઉકેલ માટે ઓથોરિટી ટૂંકી શહેરી મુસાફરી માટે શૂન્ય-ઉત્સર્જન પરિવહન નેટવર્ક, ઓટોમેટેડ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (ARTS)નો વિચાર કરી રહી છે.
વેઇટિંગ એરિયા અને પોડ્સ માટે ચાર્જિંગ ડોકની સુવિધાઓ
સામાન્ય રીતે પોડ કાર સિસ્ટમ તરીકે ઓળખાતી, ARTS માં બાંદ્રા અને કુર્લા વચ્ચેના 8.01-કિમીના એલિવેટેડ કોરિડોર પર ચાલતા નાના, સ્વાયત્ત, ઇલેક્ટ્રિક સંચાલિત વાહનોનો સમાવેશ થાય છે. આ યોજનામાં BKC માં સ્થિત 21 સ્ટેશનનો સમાવેશ થાય છે.
જેમાં ટિકિટ કાઉન્ટર, એસ્કેલેટર, વેઇટિંગ એરિયા અને પોડ્સ માટે ચાર્જિંગ ડોક જેવી સુવિધાઓ હશે. આ સિસ્ટમ સીમલેસ કામગીરી માટે અદ્યતન નિયંત્રણ સિસ્ટમ્સ, સ્માર્ટ સેન્સર્સ અને રીઅલ-ટાઇમ ડેટા મોનિટરિંગનો ઉપયોગ કરશે.
અધિકારીઓ માને છે કે આ પ્રોજેક્ટ ફક્ત BKC માં મુસાફરીનો સમય જ નહીં ઘટાડે પરંતુ ઇંધણ આધારિત પરિવહન વિકલ્પો પરની નિર્ભરતા પણ ઘટાડશે. જોકે, પર્યાવરણવાદીઓ કામ શરૂ થતા પહેલા મેન્ગ્રોવ ક્લિયરન્સ અને વૃક્ષ કાપવાની પરવાનગીઓનો વિરોધ કરે તેવી શક્યતા છે.
આ પણ વાંચો…ભારતમાં પરિવહન સેવામાં આવશે ક્રાંતિ, હાઇપરલૂપ કોરિડોર, દિલ્હી અને બેંગલુરુમાં પોડ ટેક્સીઓ દોડશે…