
નાગપુર: મહારાષ્ટ્રના મહેસૂલ પ્રધાન અને ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના નેતા ચંદ્રશેખર બાવનકુળેએ આજે જણાવ્યું હતું કે જગદીપ ધનખડનું જીવન નિષ્કલંક છે અને ઉપરાષ્ટ્રપતિ પદેથી તેમના રાજીનામા અંગે શંકા વ્યક્ત કરવી યોગ્ય નથી.
74 વર્ષના ધનખડે સોમવારે સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે તબીબી કારણોનો હવાલો આપીને રાજીનામું આપી દીધું હતું. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પોતાનું રાજીનામું પાઠવી જણાવ્યું હતું કે તેઓ તાત્કાલિક અસરથી પદ છોડી રહ્યા છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોય છે.

કોંગ્રેસે મંગળવારે દાવો કર્યો હતો કે ધનખડના રાજીનામા પાછળના કારણો તેમના દ્વારા ટાંકવામાં આવેલા આરોગ્યના મુદ્દા કરતા ‘ઘણા ઊંડા’ છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે દાવો કર્યો હતો કે કેન્દ્રીય પ્રધાનો જે પી નડ્ડા અને કિરેન રિજિજુએ બિઝનેસ એડવાઇઝરી કમિટી (બીએસી) ની બેઠક છોડી દીધી એ ધનખડને પસંદ નહોતું પડ્યું.
ધનખડે રાજીનામું આપ્યું એની થોડી વાર પહેલા નડ્ડાએ મંગળવારે કહ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિ કાર્યાલયને જણાવવામાં આવ્યું હતું કે તેઓ અને સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ સોમવારે સાંજે ધનખડ દ્વારા બોલાવવામાં આવેલી બીએસીની બેઠકમાં ભાગ લેશે નહીં.
ધનખડના રાજીનામા અંગે ઉભા થઈ રહેલા પ્રશ્નો અંગે પૂછવામાં આવતા બાવનકુળેએ કહ્યું હતું કે ‘જો કોઈની તબિયત સારી ન હોય અને પદને યોગ્ય ન્યાય નહીં આપી શકે એમ લાગતું હોય એવી પરિસ્થિતિમાં વ્યક્તિએ આવો નિર્ણય લેવો જ પડે.’
આ પણ વાંચો…ઉપરાષ્ટ્રપતિના રાજીનામાથી રાજકારણમાં હલચલ, કોંગ્રેસના દાવામાં કેટલો દમ છે?