પત્ની સુનેત્રા બાદ અજિત પવારને મોટી રાહત, વોટને માટે પૈસાની ફરિયાદ પર ક્લિનચીટ

મુંબઈ: ચૂંટણી પંચે અજિત પવારને વોટના બદલામાં ભંડોળ આપવાની એનસીપી (એસપી)ની ફરિયાદ પર ક્લીન ચીટ આપી છે. ચૂંટણી દરમિયાન આચારસંહિતા ભંગની ફરિયાદ ચૂંટણી પંચને મળી હતી. બારામતી લોકસભા ક્ષેત્રમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના કાર્યક્રમમાં ભાષણ આપતી વખતે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ અજિત પવાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી (એસપી) દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર ચુકાદો આપતાં બારામતીના રિટર્નિંગ ઓફિસર કવિતા દ્વિવેદીએ કહ્યું કે તેમના ભાષણમાં કશું વાંધાજનક નથી.
આ પ્રકરણે ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી નોટિસનો જવાબ આપતાં અજિત પવારે કહ્યું હતું કે આ અર્ધ-સત્ય છે. આ મામલે સમગ્ર વીડિયોની તપાસ કરવામાં આવી હતી અને રિટર્નિંગ ઓફિસર દ્વિવેદીએ માહિતી આપતાં કહ્યું હતું કે તેમાં કશું વાંધાજનક નથી. આરઓ કવિતા દ્વિવેદીએ કહ્યું હતું કે વિડીયો જોતાં પ્રથમ દૃષ્ટિએ તેમાં આચારસંહિતાનું કોઈ ઉલ્લંઘન જોવા મળ્યું નથી કારણ કે અજિત પવારે પોતાનો મત આપવા માટે કોઈ ઉમેદવારના નામનો ઉપયોગ કર્યો નહોતો. તેમણે કહ્યું હતું કે અમારી તપાસ મુજબ મેં આગળની પ્રક્રિયા માટે મુખ્ય ચૂંટણી અધિકારી મહારાષ્ટ્ર અને જિલ્લા ચૂંટણી અધિકારીને રિપોર્ટ સોંપ્યો છે. અજિત પવારે શું કહ્યું?
બારામતીમાં ભાષણ આપતા અજિત પવારે કહ્યું હતું કે જો તમે અમારા ઉમેદવારની સામેનું બટન દબાવશો તો અમે તમને વિકાસ માટે ફંડ આપીશું. જો કે આ દરમિયાન તેમણે કોઈ ખાસ ઉમેદવારનું નામ લીધું ન હતું. આરઓ દ્વિવેદીએ આના પર કહ્યું હતું કે અજિત પવારના વીડિયોમાં કંઈ પણ વાંધાજનક નથી.
આપણ વાંચો: અજિત પવાર અને સુનેત્રા પવારને મુંબઈ પોલીસની ક્લિનચીટ
અજિત પવારે ઈંદાપુરમાં કહ્યું હતું કે તમારી ઈચ્છા મુજબ અમે તમને ફંડની મદદ કરીશું. પરંતુ જો અમે તમને ફંડ આપી રહ્યા છીએ તો અમે અપેક્ષા રાખીએ છીએ કે તમે અમારા ઉમેદવારના ચૂંટણી ચિન્હની સામેનું બટન દબાવો. શરદ પવારની આગેવાની હેઠળની એનસીપીએ તેમના નિવેદન સામે તે આચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદ નોંધાવી હતી.
સુનેત્રા પવારને પણ રાહત મળી છે
રિટર્નિંગ ઓફિસરે તપાસ પછી મુખ્ય ચૂંટણી પંચના અધિકારીને રિપોર્ટ સોંપ્યો હતો અને કહ્યું હતું કે ભાષણમાં કશું વાંધાજનક નથી. આ પહેલા અજિત પવારની પત્ની સુનેત્રા પવારને પણ મહારાષ્ટ્ર પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (ઈઓડબ્લ્યુ) તરફથી મોટી રાહત મળી હતી. સુનેત્રાને રૂ. 25,000 કરોડના કથિત એમએસસીબી બેંક કૌભાંડ કેસમાં ક્લીનચીટ આપી હતી.