આમચી મુંબઈમહારાષ્ટ્ર

ચૂંટણીની જાહેરાત પૂર્વે મહારાષ્ટ્રમાંથી આવ્યા મોટા ન્યૂઝ, યુવા મતદારોની સંખ્યા વધી

મુંબઈ: આ વર્ષે દેશમાં લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવશે, ત્યારે આ બંને ચૂંટણીની જાહેરાત પૂર્વે મહારાષ્ટ્રમાંથી અઢારથી 29 વર્ષના યુવા મતદારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. મહારાષ્ટ્રમાં અઢારથી 29 વર્ષની ઉંમરના યુવા મતદારોની સંખ્યામાં ચાર લાખ 12,416 મતદારોનો ઉમેરો થયો છે.

2023ના ઓક્ટોબરમાં બહાર પાડવામાં આવેલી મતદારોની સરખામણીમાં સંખ્યામાં આશરે એક ટકાનો વધારો જોવા મળ્યો છે. આ વર્ષે લોકસભા તેમ જ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી થવાની છે. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી મતદાર યાદીમાં સુધારા વધારા કરવા માટે ઘરે ઘરે ફરી મતદાર યાદીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીકાંત દેશપાંડેએ જણાવ્યું હતું કે આ પ્રયાસને પગલે મતદારોની અંતિમ યાદીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. સત્તાવાર માહિતી અનુસાર રાજ્યમાં પાત્ર મતદારોની સંખ્યા 9.12 કરોડ છે.

અઢારથી 29 વયના ઉમેદવારોની સંખ્યામાં આશરે એક ટકાનો વધારો જોવા મળ્યો છે, જ્યારે ચાળીસથી 80 વર્ષ અને એનાથી વધુ મોટી ઉંમરના મતદારોની સંખ્યામાં ત્રણ ટકા ઘટાડો જોવા મળ્યો છે.

મતદાર યાદી નવેસરથી તૈયાર કરવાના કામનો પ્રારંભ 27 ઓક્ટોબર, 2023ના દિવસે થયો હતો અને 23 જાન્યુઆરી, 2024 સુધી માહિતી એકઠી કરવામાં આવી હતી એમ દેશપાંડેએ જણાવ્યું હતું. 24 લાખ 33,766 મતદારોના નવા નામ નોંધાયા હતા જ્યારે 20 લાખ 21,350 નામ કાઢી નાખવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button