ગાંજાના મોટા સપ્લાયરની તેલંગણાથી ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ગેરકાયદે ગાંજાનું વેચાણ કરનારાઓને ગાંજો પૂરો પાડનારા મોટા સપ્લાયરની ક્રાઈમ બ્રાન્ચની એન્ટી નાર્કોટિક્સ સેલે (એએનસી) તેલંગણાથી ધરપકડ કરી હતી.
એએનસીના બાન્દ્રા યુનિટે ધરપકડ કરેલા આરોપીની ઓળખ અજય રામઅવતાર ચૌરસિયા તરીકે થઈ હતી. ચૌરસિયા વિરુદ્ધ મહારાષ્ટ્ર અને તેલંગણાનાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં સાત ગુના નોંધાયેલા છે. આ ગુનાઓમાં તેની પાસેથી અત્યાર સુધીમાં 1,424 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ મુંબઈ બહારથી મોટા પ્રમાણમાં ગાંજો લાવવામાં આવી રહ્યો હોવાની માહિતી એએનસીને ઑગસ્ટ, 2022માં મળી હતી. માહિતીને આધારે પોલીસે ભાંડુપ પૂર્વના ઐરોલી જંક્શન નજીક છટકું ગોઠવી બે કારને આંતરી હતી. બન્ને કારમાંથી 266 કિલો ગાંજો જપ્ત કરી બે આરોપીની ધરપકડ કરી હતી.
પકડાયેલા બન્ને આરોપીની પૂછપરછમાં મુખ્ય સપ્લાયર તરીકે ચૌરસિયાનું નામ સામે આવ્યું હતું. જોકે ઑગસ્ટ, 2022થી ચૌરસિયા થાણે, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશમાં નામ બદલીને વારંવાર રહેઠાણ બદલતો હતો.
તાજેતરમાં તેલંગણાની બોલારમ પોલીસે ચૌરસિયાની ધરપકડ કરી હતી. હૈદરાબાદની સેન્ટ્રલ જેલમાં બંધ આરોપીને પ્રોડક્શન વૉરન્ટ પર તાબામાં લેવાયો હતો. મુંબઈ લવાયા પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. સેશન્સ કોર્ટે તેને 18 ડિસેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.