વિધાન પરિષદની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાતઃ આટલી બેઠકો પરથી લડશે ચૂંટણી
મુંબઈ: લોકસભાની ચૂંટણી બાદ મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી યોજાવાની છે. જૂન મહિનામાં યોજાનારી આ ચૂંટણીમાં કેટલા બેઠકો પરથી લડશે તેની જાહેરાત ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના દ્વારા પહેલા જ કરી દેવામાં આવી હતી. હવે કૉંગ્રેસે પણ તે વિધાન પરિષદની ચાર બેઠકોમાંથી બે બેઠકો પરથી ચૂંટણી લડશે, તેવી જાહેરાત કરી છે.
આ પહેલા ઉદ્ધવ ઠાકરેએ બે બેઠકો પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. કૉંગ્રેસ પણ બે બેઠકો પરથી ચૂંટણી લડશે તેવી માહિતી મહારાષ્ટ્ર કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ આપી હતી.
ઉલ્લેખનીય છે કે મુંબઈ ગ્રેજ્યુએટ્સ, કોંકણ ગ્રેજ્યુએટ્સ, મુંબઈ ટીચર્સ અને નાશિક ટીચર્સ બેઠક, વિધાન પરિષદની આ ચાર બેઠકોના પ્રતિનિધિઓનો કાર્યકાળ જુલાઇ મહિનામાં પૂરો થવાનો છે. જેને પગલે 26 જૂનના રોજ આ ચાર બેઠકો માટે ચૂંટણી યોજવામાં આવશે, જ્યારે તેના પરિણામો પહેલી જુલાઇના રોજ જાહેર કરવામાં આવશે. તે માટે ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ સાતમી જૂન છે.
આ પણ વાંચો: Pune Porsche Accident મુદ્દે રાજકારણ ગરમાયુંઃ મહારાષ્ટ્ર કોંગ્રેસે ભાજપ પર લગાવ્યો મોટો આરોપ
ઉદ્ધવ ઠાકરેની શિવસેના મુંબઈ ટીચર્સ અને મુંબઈ ગ્રેજ્યુએટ્સ બેઠક પરથી ચૂંટણી લડવાની છે. જોકે કૉંગ્રેસે હજી સુધી ઉમેદવારો અને કઇ બેઠકો પરથી ચૂંટણી લડશે તેની જાહેરાત કરી નથી. આ વિગતો બીજી જૂનના રોજ બહાર પાડવામાં આવશે, તેમ નાના પટોલેએ જણાવ્યું હતું. જોકે મહાવિકાસ આઘાડીના વધુ એક ઘટક પક્ષ એનસીપી(શરદચંદ્ર પવાર) દ્વારા વિધાન પરિષદની ચૂંટણી અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી.
બીજી બાજુ સત્તાધારી પક્ષ તરફથી અજિત પવાર જૂથની એનસીપી દ્વારા મુંબઈ ટીચર્સ મતક્ષેત્રની બેઠક પરથી લડવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)એ કોંકણ ગ્રેજ્યુએટ્સ બેઠક પરથી લડવાની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે વિધાન પરિષદમાં કુલ સભ્યોની સંખ્યા 78 છે જેમાંથી હાલ શિવસેના(અવિભાજિત)ના 11, એનસીપી(અવિભાજિત)ના 9, કૉંગ્રેસના 8 જ્યારે ભાજપના બાવીસ સભ્યો છે. બાકીની બેઠકો અન્ય પક્ષો અને અપક્ષો પાસે છે. જ્યારે અમુક બેઠકો હજી પણ ખાલી છે. તેમાંથી 12 સભ્યોની પસંદગી રાજ્યપાલ દ્વારા કરવામાં આવશે.