ચારકોપમાં વેદિક થીમ પાર્કનું ભૂમિપૂજન યોજાયું
7 એકરમાં 10 હજાર વૃક્ષો વાવવામાં આવશે

મુંબઈ: મુંબઇ મહાનગરપાલિકા દ્વારા ચારકોપ નાકા સ્થિત અથર્વ કોલેજ પાસે સાત એકર વિસ્તારમાં વેદિક થીમ પાર્કની સ્થાપના કરવામાં આવી રહી છે. આ પાર્કનું ભૂમિપૂજન રવિવારે કરવામાં આવ્યું હતું. આ પાર્કમાં મિયાવાકી ફોરેસ્ટનો કનસેપ્ટ સાકાર થશે અને પાર્કમાં 10 હજાર વૃક્ષો લગાવવામાં આવશે. આ પાર્કનું ભૂમિપૂજન સંસદસભ્ય હેમા માલિની, અમૃતા ફડણવીસ અને અન્ય નેતાઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
પાર્કમાં 8,800 સ્વદેશી વૃક્ષો વાવવામાં આવશે. છેલ્લા 30 વર્ષના સમયગાળા દરમિયાન અનેક વિકાસ કાર્યો અને અનેક પ્રોજેક્ટ પૂર્ણ થયા છે. આટલા મોટા પ્લોટ પર ઓછા સમયમાં વેદિક થીમ પાર્ક બનાવવામાં આવ્યો હોય તેવો આ પ્રથમ પ્રસંગ છે. આ પ્લોટમાં મોટાપાયે અતિક્રમણ થયું હતું. પરંતુ પાલિકાના અધિકારીઓ અને પ્રશાસને પણ સમસ્યાનો ઉકેલ લાવી દીધો.
હેમા માલિનીએ કહ્યું કે અભિનેત્રી હોવા છતાં તેને જનતા માટે કામ કરવાનું પસંદ છે. ભારતીય સંસ્કૃતિને આગળ વધારવા માટે આ પ્રકારના વૈદિક થીમ પાર્કની જરૂર છે. અમૃતા ફડણવીસે કહ્યું કે આ પાર્ક વિસ્તારના નાગરિકોના જીવનધોરણમાં સુધારો કરશે. આ પાર્કનો લાભ દરેકને મળશે.