ભુજબળ અજિત પવારને નુકસાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે: જરાંગે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મરાઠા અનામત માટે આંદોલન ચલાવી રહેલા મનોજ જરાંગે-પાટીલે રવિવારે જાલનામાં કહ્યું હતું કે મહારાષ્ટ્રના પ્રધાન છગન ભુજબળ મરાઠા અનામત અંગેના પોતાના નિવેદનો દ્વારા નાયબ મુખ્ય પ્રધાનો અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસને નુકસાન પહોંચાડવા માગે છે.
ભુજબળે એવો આરોપ લગાવ્યો હતો કે રાજ્ય સરકાર મરાઠા સમાજને પાછલા બારણેથી ઓબીસી અનામતનો લાભ આપવાની વ્યવસ્થા કરી રહી છે અને સાથે જ એવો દાવો પણ કર્યો હતો કે તેમણે ગયા વર્ષના નવેમ્બર મહિનામાં જ કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે.
એનસીપીના અજિત પવાર જૂથના નેતા છગન ભુજબળે એવો આક્ષેપ કર્યો હતો કે મરાઠા સમાજના પછાતપણું નિર્ધારિત કરવા માટે સર્વેક્ષણ દ્વારા જે આંકડા એકઠા કરવાની પ્રક્રિયા આદરી છે તે ક્ષતિપૂર્ણ છે.
જાલનામાં આવેલા અંતરવાલી-સરાટી ગામ ખાતે બોલતાં જરાંગેએ કહ્યું હતું કે ભુજબળના આરોપો ખોટા છે અને મરાઠા સમાજ માટે અનામત મેળવવા માટે લિખિત દસ્તાવેજોનો આધાર લેવામાં આવી રહ્યો છે.
તેઓ (ભુજબળ) કશું સમજતા નથી. એક કાયદો છે અને સરકાર, એક સમિતિ અને નિષ્ણાતો આ મુદ્દે કામ કરી રહ્યા છે, પરંતુ ભુજબળ પોતાની જ સરકાર પર શંકા કરી રહ્યા છે. તેઓ નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, એમ તેણે કહ્યું હતું.
ભુજબળ દ્વારા વાળંદ સમાજને મરાઠા સમાજના લોકોને સેવા ન આપવા માટે કરવામાં આવેલી અપીલ અંગે પુછવામાં આવતાં તેણે કહ્યું હતું કે ‘મને લાગે છે કે ભુજબળની ઈચ્છા એવી છે કે લોકો ભૂખે મરે. તેઓ મરાઠા સમાજના હોય કે અન્ય કોઈ સમાજના બધા ઓબીસીએ હવે સમજદાર બનવાની આવશ્યકતા છે અને ભુજબળને વધુ શક્તિ ન આપવાની આવશ્યકતા છે.
તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ભુજબળની પહેલેથી આદત છે કે તેઓ જે પાર્ટીમાં જોડાય તેનું નુકસાન કરે છે.