ભિવંડીમાં બહાદુર વિદ્યાર્થિનીએ અપહરણની યોજના ઊંધી વાળી
ડ્રાઈવરનો ઇરાદો સમજી ગયેલી સતર્ક વિદ્યાર્થિની કંપાસથી હુમલો કરી ચાલુ રિક્ષામાંથી કૂદી પડી

થાણે: ભિવંડીમાં રિક્ષા ડ્રાઈવર દ્વારા શાળાએ જતી 16 વર્ષની વિદ્યાર્થિનીનું અપહરણ કરવાનો કથિત પ્રયાસ કર્યો હતો, પરંતુ ડ્રાઈવરનો ઇરાદો સમજી ગયેલી બહાદુર વિદ્યાર્થિનીએ યોજના ઊંધી વાળી હતી. ભૂમિતિમાં વર્તુલ દોરવાના કંપાસથી હુમલો કરી સતર્ક વિદ્યાર્થિની ચાલુ રિક્ષામાંથી કૂદી પડી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર ઘટના નવમી જુલાઈએ બપોરે 12 વાગ્યાની આસપાસ ભિવંડી વિસ્તારમાં બની હતી. આ પ્રકરણે શાંતિ નગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: કલવાની સગીરાની અપહરણ બાદ હત્યા: રિક્ષા ડ્રાઈવરની ધરપકડ
પોલીસ ફરિયાદ અનુસાર બુધવારે શાળાએ જવા માટે વિદ્યાર્થિની આરોપીની રિક્ષામાં બેઠી હતી. તે સમયે અગાઉથી અન્ય એક શખસ રિક્ષામાં બેઠો હતો. રિક્ષા સ્કૂલ નજીક પહોંચી ત્યારે વિદ્યાર્થિનીએ ડ્રાઈવરને રિક્ષા રોકવાનું કહ્યું હતું. જોકે રિક્ષા શાળા પાસે રોકવાને બદલે ડ્રાઈવરે પૂરપાટ વેગે દોડાવી મૂકી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
રિક્ષા ડ્રાઈવરના આવા વર્તનથી વિદ્યાર્થિનીને આઘાત લાગ્યો હતો, પરંતુ તેણે સતર્કતા દેખાડી હતી. તરત જ સ્કૂલ બૅગમાંથી કંપાસ કાઢીને ડ્રાઈવર પર હુમલો કર્યો હતો. બાદમાં બહાદુરીથી બાજુમાં બેસેલા શખસને ધક્કો મારી તે રિક્ષામાંથી કૂદી પડી હતી. બાદમાં તે દોડતી શાળામાં પહોંચી હતી.
આ પણ વાંચો: ડોંબિવલીની સગીરાનું અપહરણ કરી ટ્રેનમાં ગુજાર્યો બળાત્કાર…
રિક્ષામાં બનેલી ઘટનાની જાણ વિદ્યાર્થિનીએ માતાને કરી હતી. માતાએ પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી. વિદ્યાર્થિનીની ફરિયાદને આધારે પોલીસે રિક્ષા ડ્રાઈવર અને તેના સાથી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2) અને 62 હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે આરોપીઓની શોધ હાથ ધરી હતી.
(પીટીઆઈ)