છ વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યાના કેસનો આરોપી ભિવંડી કોર્ટમાંથી ફરાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: છ વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા કરવાની ભિવંડીની આઘાતજનક ઘટનામાં ધરપકડ કરાયેલો આરોપી કોર્ટમાંથી ફરાર થઈ જતાં ખળભળાટ મચી ગયો હતો.
ભિવંડી કોર્ટમાંથી સોમવારે પોલીસને હાથતાળી આપી રફુચક્કર થઈ ગયેલા આરોપીની ઓળખ સલામત અલી આલમ અન્સારી તરીકે થઈ હતી. અન્સારીને 2023માં બિહારથી પકડી પાડવામાં આવ્યો હતો અને હાલમાં તેને થાણે સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતો.
આપણ વાંચો: દુષ્કર્મ બાદ બાળકીની હત્યાથી ઉશ્કેરાયેલા લોકોનો પોલીસ સ્ટેશન પર પથ્થરમારો: 14 પોલીસ જખમી
ભિવંડીની એક ચાલમાં રહેતી છ વર્ષની બાળકી સાથે 2023માં દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. પછી તેની હત્યા કરી મૃતદેહ નજીકની બંધ રૂમમાં બાદલીમાં ભરી રાખવામાં આવ્યો હતો. આ પ્રકરણે ભિવંડી શહેર પોલીસે દુષ્કર્મ અને હત્યા સહિત પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન આરોપી 20 સપ્ટેમ્બર, 2023ના રોજ બિહારથી પકડાયો હતો. અદાલતી કસ્ટડીમાં હોવાથી હાલમાં તેને થાણે સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતો. કેસની સુનાવણી માટે સોમવારે તેને જેલમાંથી ભિવંડી કોર્ટમાં લઈ જવાયો હતો.
કહેવાય છે કે ગાફેલ પોલીસ ટીમની જાણબહાર આરોપી અન્સારી કોર્ટ પરિસરમાંથી છૂ થઈ ગયો હતો.
આરોપી ફરાર થયાની જાણ થતાં પોલીસે કોર્ટ આસપાસના પરિસરમાં શોધખોળ કરી હતી. આરોપીની કોઈ ભાળ ન મળતાં તેની વિરુદ્ધ શાંતિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પોલીસ ફરાર આરોપીની શોધ ચલાવી રહી છે.