ભિવંડી કોર્ટથી આરોપી ફરાર થવા પ્રકરણે છ કોન્સ્ટેબલ સસ્પેન્ડ…

થાણે: છ વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યાના કેસનો આરોપી ગયા સપ્તાહે ભિવંડી કોર્ટ બહારથી ફરાર થવાના મામલે છ પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ડેપ્યુટી પોલીસ કમિશનર પવન બનસોડેએ જારી કરેલા આદેશ અનુસાર આરોપીને કોર્ટમાં લઈ જનારી ટીમના એક હેડ કોન્સ્ટેબલ અને પાંચ કોન્સ્ટેબલને ચોથી ઑગસ્ટે ભિવંડીમાં બનેલી ઘટનામાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સસ્પેન્ડ કરાયેલાઓમાં અમોલ તરટે, મોતીરામ ડેબરે, દત્તા સરકતે, દીપક ઈંગળે, વિકાસ ચાટે અને સંગીતા ચોકંડેનો સમાવેશ થાય છે. વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ પાંચ આરોપીને થાણે જેલમાંથી ભિવંડી કોર્ટ લઈ જવામાં આવ્યા હતા. કોર્ટ પરિસરમાં લોકોની ભીડનો લાભ ઉઠાવી આરોપી સલામત અલી અન્સારી (32) ફરાર થઈ ગયો હતો.
ભિવંડીની એક ચાલમાં રહેતી છ વર્ષની બાળકી સાથે 2023માં દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. પછી તેની હત્યા કરી મૃતદેહ નજીકની બંધ રૂમમાં બાદલીમાં ભરી રાખવામાં આવ્યો હતો. આ પ્રકરણે ભિવંડી શહેર પોલીસે 20 સપ્ટેમ્બર, 2023ના રોજ અન્સારીને બિહારમાં પકડી પાડ્યો હતો.
સસ્પેન્શન ઑર્ડરમાં નોંધવામાં આવ્યું હતું કે આરોપીની હિલચાલ પર બારીક નજર રાખવામાં પોલીસ કોન્સ્ટેબલો નિષ્ફળ ગયા હતા અને ફરજ દરમિયાન તે ‘સતર્ક’ ન હોવાનું જણાયું હતું. (પીટીઆઈ)
આ પણ વાંચો…છ વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યાના કેસનો આરોપી ભિવંડી કોર્ટમાંથી ફરાર