ભિવંડીમાં ધર્મપરિવર્તનનો પ્રયાસ બદલ યુએસના નાગરિક સહિત ત્રણની ધરપકડ

થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં આવેલા એક ગામના રહેવાસીઓને બળજબરીથી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવવાનો પ્રયાસ કરવા બદલ પોલીસે યુએસના નાગરિક સહિત ત્રણની ધરપકડ કરી હતી.
એક ગામવાસીએ કરેલી ફરિયાદને આધારે ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી. ભિવંડીના ચિંબીપાડા વિસ્તારમાં શુક્રવારની બપોરે એક ઘરની બહાર રહેવાસીઓને ભેગા કરીને આરોપીઓએ આવું કૃત્ય કર્યું હોવાનો દાવો ફરિયાદમાં કરાયો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: તાપીમાં આદિવાસીઓનું ધર્મ પરિવર્તન કરનારાઓને હર્ષ સંઘવીએ આપી ચેતવણી; કહ્યું….
એફઆઈઆર અનુસાર ખ્રિસ્તી ધર્મનાં પુસ્તકોનું ઘટનાસ્થળ પર હાજર મહિલા, પુરુષો અને બાળકોમાં વિતરણ કરાયું હતું અને તેમને પ્રેયર કરવાનું કહેવામાં આવ્યું હતું. આરોપીઓએ ગામવાસીઓને કથિત રીતે એવું પણ કહ્યું હતું કે ધર્મપરિવર્તન તેમની બીમારી સાજી કરશે, એમ પોલીસે જણાવ્યું હતું.
આ પ્રકરણે પોલીસે યુએસના નાગરિક જૅમ્સ વૉટ્સન (58) સહિત વસઈના રહેવાસી સાંઈનાથ ગણપતિ સર્પે (42) અને જેના ઘરની બહાર રહેવાસીઓને એકઠા કરી મીટિંગ થઈ હતી તે મનોજ કોલ્હા (35)ની ધરપકડ કરી હતી. પોલીસ આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે.
(પીટીઆઈ)