ભિવંડીની ડાઈંગ ફૅક્ટરીમાં ભીષણ આગ દાદરમાં રેસ્ટોરાંનું કિચન સળગ્યું

મુંબઈ: થાણે જિલ્લાના ભિવંડી ખાતે કપડાંને ડાઈંગ કરવાની ફૅક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગમાં બે માળનું મકાન સળગી ગયું હતું, જેને કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ સતર્કતા ખાતર આસપાસની ફૅક્ટરીઓ ખાલી કરવવામાં આવી હતી. આગની બીજી ઘટનામાં દાદરની રેસ્ટોરાંનું કિચન સળગ્યું હોવાનું ફાયર બ્રિગેડે જણાવ્યું હતું.
ભિવંડી-નિઝામપુર મહાનગરપાલિકાના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના ચીફ સાકીબ ખારબેએ જણાવ્યું હતું કે આગની જાણ શુક્રવારે સવારે 9 વાગ્યાની આસપાસ થઈ હતી. ભિવંડીના સરાવલી ગામમાં એમઆઈડીસી પરિસરમાં આવેલી ડાઈંગની ફૅક્ટરીમાં આગ ફાટી નીકળી હતી.
આપણ વાચો: કંડલાથી ઓમાન જતા જહાજમાં ભીષણ આગ 14 ક્રૂ મેમર ફસાયા, INS નૌકાદાળે બચાવ રાહત કાર્ય શરૂ કર્યું…
સૂત્રોના જણાવ્યા મુજબ બે માળના મકાનમાં પહેલા માળે આગ લાગી હતી. પછી તરત ફેલાયેલી આગે બીજા માળને પણ ચપેટમાં લઈ લીધો હતો. જોતજોતાંમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ધુમાળાના ગોટેગોટા અમુક કિલોમીટર દૂરથી પણ જોઈ શકાતા હતા.
દરમિયાન આગ લાગતાં જ કર્મચારીઓ ફૅક્ટરીની બહાર દોડી ગયા હતા. આગે આખું મકાન ભરડામાં લેતા આખા પરિસરમાં ધુમાડો ફેલાયો હતો. સતર્કતા ખાતર આસપાસની ફૅક્ટરીના કર્મચારીઓને બહાર નીકળવાની સૂચના અપાઈ હતી.
આપણ વાચો: ધારાવીમાં ભીષણ આગ લાગતાં ટ્રક બળીને ખાખ…
બનાવની જાણ થતાં બે ફાયર એન્જિન સાથે ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગની વિકરાળતા જોઈ થાણે અને કલ્યાણ ફાયર બ્રિગેડની પણ મદદ લેવાઈ હતી. મોડી સાંજ સુધી આગમાં કોઈ જાનહાનિના સમાચાર આવ્યા નહોતા.
દરમિયાન દાદર પશ્ર્ચિમમાં એન. સી. કેળકર માર્ગ પર આવેલા મૉલમાંની એક રેસ્ટોરાંના કિચનમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ શુક્રવારની બપોરે 3.30 વાગ્યે આગ લાગ્યાની માહિતી મળતી હતી.
ભીડવાળો વિસ્તાર હોવાથી સાવચેતી ખાતર ચાર ફાયર એન્જિન સાથે ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. આગને કારણે કોઈને જ ઇજા થઈ ન હોવાનું ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)



