રાસાયણિક કચરો નાળામાં ફેંકનારાં બે ટૅન્કર જપ્ત: છ સામે ગુનો | મુંબઈ સમાચાર

રાસાયણિક કચરો નાળામાં ફેંકનારાં બે ટૅન્કર જપ્ત: છ સામે ગુનો

થાણે: ભિવંડીમાં રાસાયણિક કચરો નાળામાં ફેંકવા આવેલાં બે ટૅન્કર જપ્ત કરી પોલીસે કંપનીના ડિરેક્ટર સહિત છ જણ સામે ગુનો નોંધ્યો હતો.

એન્ટિ-એક્સ્ટોર્શન સેલના સિનિયર ઈન્સ્પેક્ટર શૈલેષ સાળવીએ જણાવ્યું હતું કે પોલીસની ટીમ રવિવારની સવારે પેટ્રોલિંગ પર હતી ત્યારે તેમની નજર ભિવંડીના નારપોલી ખાતેના એક નાળા પાસે ઊભેલાં બે ટૅન્કર પર પડી હતી. નારપોલી વિસ્તારમાં આવેલી એક કેમિકલ કંપની નજીકના નાળામાં રાસાયણિક કચરો નાખવા બન્ને ટૅન્કર આવ્યાં હતાં.

પોલીસે બન્ને ટૅન્કર જપ્ત કર્યાં હતાં, જેમાં પાલઘર જિલ્લાના વાડા ખાતેની કેમિકલ કંપનીમાંથી લવાયેલું બ્લીચ તરીકે વપરાતું 17,720 કિલો કેલ્શિયમ હાઈપોક્લોરાઈટ સોલ્યુશન ભરેલું હતું.

આ પણ વાંચો: આ કચરો દેશને કોરી ખાશેઃ જાણો એક ચોંકાવનારો રિપોર્ટ શું કહે છે

તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ટૅન્કરના ડ્રાઈવર્સ અને કર્મચારીએ નાળામાં બે હજાર કિલો જોખમી રાસાયણિક કચરો ઠાલવી દીધો હતો.

આ રીતે ઔદ્યોગિક કચરાનો ગેરકાયદે નિકાલ કરીને કંપનીએ પર્યાવરણીય કાયદાનું ઉલ્લંઘન કરવા સાથે જાહેર આરોગ્યને પણ જોખમમાં મૂક્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આ પ્રકરણે પાલઘરની કેમિકલ કંપનીના ડિરેક્ટર, બે ડ્રાઈવર, એક કર્મચારી અને અન્યો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 279, 280 અને 3(5) હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

(પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button