પ્રેમિકાની હત્યા પછી આત્મહત્યાનો પ્રયાસ: પ્રેમીનો નિર્દોષ છુટકારો...

પ્રેમિકાની હત્યા પછી આત્મહત્યાનો પ્રયાસ: પ્રેમીનો નિર્દોષ છુટકારો…

થાણે: ભાયંદરમાં દુકાનમાં પ્રેમિકાની હત્યા બાદ છરીથી પોતાનું ગળું ચીરી આત્મહત્યાનો પ્રયાસ કરવાના કેસમાં સેશન્સ કોર્ટે શંકાનો લાભ આપી પ્રેમીને નિર્દોષ છોડી મૂક્યો હતો.

પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજ એસ. બી. અગ્રવાલે બુધવારે કુંદન હરેકૃષ્ણ આચાર્યને ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા) અને 309 (આત્મહત્યાનો પ્રયાસ) હેઠળના આરોપોમાંથી મુક્ત કર્યો હતો.

તપાસકર્તા પક્ષે કોર્ટમાં જણાવ્યું હતું કે 22 ઑક્ટોબર, 2019ની બપોરે ભાયંદર પૂર્વમાં આવેલી પોતાની દુકાનમાં આચાર્યએ છરીથી અંકિતા રાવલ પર હુમલો કર્યો હતો. બાદમાં આચાર્યએ પોતાનું ગળું ચીરી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આચાર્ય અને રાવલ વચ્ચે અફૅર હતું અને તે રાવલ સાથે લગ્ન કરવા માગતો હતો.

જોકે બચાવ પક્ષના વકીલે દલીલ કરી હતી કે અંકિતા રાવલે પહેલાં આચાર્ય પર હુમલો કર્યો હતો અને પછી પોતાનો જીવ લીધો હતો. દુકાનની અંદર બનેલી આ ઘટનાનો એકેય સાક્ષી ન હોવાનું પણ વકીલે કહ્યું હતું.

જજ અગ્રવાલે નોંધ્યું હતું કે તપાસકર્તા પક્ષનો કેસ સાંયોગિક પુરાવા પર આધારિત છે. દુકાનમાં બનેલા આ બનાવને કોઈ નજરે જોનારો સાક્ષી નથી અને આરોપીએ સ્થળ પર પોતાની હાજરી નકારી નથી, પરંતુ સમગ્ર ઘટનાક્રમનું બીજું પાસું રજૂ કર્યું છે.

તેમણે વધુમાં નોંધ્યું હતું કે મૃતક મહિલાના પિતાએ લવ-અફૅરવાળી વાત પુરવાર થાય એવા પુરાવા રજૂ કર્યા નથી. આરોપી અંકિતાની લગ્ન માટે સતામણી કરતો હતો, એમ જણાવ્યું છે. યુવતીની માતાએ પણ અફૅર અંગેનું અગાઉનું નિવેદન ફેરવી તોળ્યું હતું અને એવો દાવો કર્યો હતો કે અંકિતાને ધમકાવવામાં આવતી હતી. (પીટીઆઈ)

આ પણ વાંચો…થાણેની પ્રતિષ્ઠિત સ્કૂલમાં ચાર વર્ષની દીકરીની જાતીય સતામણી કરાઇ: માતા-પિતાનો આક્ષેપ…

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button