ભાંડુપમાં બેસ્ટની બસ અને ટેમ્પો સામસામે ટકરાતાં સાત જખમી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સિગ્નલ ક્રૉસિંગ પાસે બેસ્ટની બસ અને ટેમ્પો સામસામે ટકરાતાં સાત જણ ઘવાયા હોવાની ઘટના ભાંડુપમાં બની હતી. જખમીઓમાંથી બેને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યારે બસ ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
નવઘર પોલીસના જણાવ્યા મુજબ ઘટના ગુરુવારની સવારે વસંતરાવ નાઈક માર્ગ પર ભાંડુપ પમ્પિંગ સિગ્નલ પાસે બની હતી. અકસ્માતમાં બસના બે પ્રવાસી સાગર રાજારામ જાધવ (30) અને આનંદકુમાર સાઈરામ શર્મા (64)ે તેમ જ ટેમ્પોમાં હાજર ડ્રાઈવર રમેશ બેચેનલાલ ગુપ્તા (34), દુર્ગાદાસ નાગેશ દેવકર (54), રાજેશકુમાર મીઠાઈલાલ જયસ્વાલ (54), ગુલાબ ચીનીલાલ જયસ્વાલ (72) અને સંજય શ્યામલાલ જયસ્વાલ (37) જખમી થયા હતા.
આપણ વાંચો: બે ટ્રક સામસામે ટકરાતાં બે જણે જીવ ગુમાવ્યા: 300 બકરાનાં પણ મૃત્યુ
મળતી માહિતી અનુસાર બેસ્ટની રૂટ નંબર-492ની બસ થાણેના ભૂમિ એકર્સથી જોગેશ્ર્વરીમાં મજાસ ડેપો જઈ રહી હતી. બસ સિગ્નલ ક્રૉસિંગ પાસે સામેથી આવેલા ટેમ્પો સાથે ભટકાઈ હતી. ટેમ્પો ભાંડુપથી વાશી જઈ રહ્યો હોવાનું કહેવાય છે.
બન્ને વાહન સામસામે ટકરાતાં સાત જણ ઘવાયા હતા. બનાવની જાણ થતાં નવઘર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જખમીઓને મુલુંડ પૂર્વની વીર સાવરકર હૉસ્પિટલમાં લઈ જવાયા હતા.
ઈજાગ્રસ્તોમાંથી સાગર જાધવ અને દુર્ગાદાસ દેવકરને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે બાકીનાઓને પ્રાથમિક સારવાર બાદ હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ પ્રકરણે ટેમ્પોના ડ્રાઈવર ગુપ્તાનું નિવેદન નોંધી પોલીસે બસ ડ્રાઈવર સંતોષ પાટીલ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.