આમચી મુંબઈ

ભાંડુપમાં બસઅકસ્માતની ગોઝારી ઘટના: પચીસ વર્ષથી ડ્રાઈવિંગ કરતા ડ્રાઈવર સાવંતે બ્રેકને બદલે એક્સિલરેટર દબાવ્યું

પોલીસને આવું લાગે છે, પણ ડ્રાઈવરનો દાવો છે કે બ્રેક ફેઈલ થઈ: બસની તપાસમાં સ્પષ્ટતા થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ભાંડુપ રેલવે સ્ટેશન નજીક યુટર્ન લેતી વખતે બેસ્ટની બસે 15 પ્રવાસીને કચડ્યાની ગોઝારી ઘટના પચીસ વર્ષથી ડ્રાઈવિંગ કરતા ડ્રાઈવરની ભૂલને કારણે બની હોવાનું કહેવાય છે. બ્રેકને બદલે ડ્રાઈવરે એક્સિલરેટર દબાવ્યાને કારણે બસ પ્રવાસીઓ પર ધસી ગઈ હોવાનું પોલીસને લાગે છે, પણ ડ્રાઈવરે બ્રેક ફેઈલ થયાનો દાવો કર્યો હતો. આ મામલે અકસ્માતગ્રસ્ત બસની તપાસ બાદ ચોખવટ થઈ શકશે, એવું અધિકારીનું કહેવું છે.

ગયા વર્ષે ડિસેમ્બરમાં જ કુર્લામાં બેકાબૂ બનેલી બેસ્ટની બસે 17 જણને અડફેટે લીધા હતા, જેમાંથી સાતનાં મોત નીપજ્યાં હતાં. આ ઘટનાને વર્ષ વીત્યું નથી ત્યાં સોમવારની રાતે 9.50 વાગ્યાની આસપાસ ભાંડુપ પશ્ર્ચિમમાં બેસ્ટની બસે 14ને અડફેટે લીધા હતા. બસની રાહ જોતા બસસ્ટોપ પાસે ઊભેલા પ્રવાસીઓ પર બસ ધસી ગઈ હતી, જેમાં ત્રણ મહિલા સહિત ચારનાં મૃત્યુ થયાં હતાં.

મૃતકોની ઓળખ વર્ષા જગન્નાથ સાવંત (25), માનસી મેઘશ્યામ ગુરવ (49), પ્રતિમા સંદીપ રાસમ (35) અને પ્રશાંત દત્તુ શિંદે (42) તરીકે થઈ હતી. ચારેય મૃતક ભાંડુપ પશ્ર્ચિમના અલગ અલગ પરિસરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતમાં જખમી 10 જણને સારવાર માટે મહાપાલિકાની રાજાવાડી અને સાયન હૉસ્પિટલ સહિત અન્ય ખાનગી હૉસ્પિટલોમાં દાખલ કરાયા હતા.

આ પ્રકરણે ભાંડુપ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 105, 110 અને 125(એ) તેમ જ મોટર વેહિકલ ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે બસના ડ્રાઈવર સંતોષ રમેશ સાવંત (52)ની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ તપાસ અનુસાર સાવંત છેલ્લા પચીસ વર્ષથી ડ્રાઈવિંગ કરે છે. અગાઉ તે કણકવલીમાં રહેતો હતો અને હાલમાં જ પરિવાર સાથે મુંબઈ શિફ્ટ થયો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસને લાગે છે કે યુટર્ન લેતી વખતે સાવંતે બ્રેકને બદલે એક્સિલરેટર દબાવ્યું હશે, જેને પગલે બસ પૂરપાટ વેગે ફૂટપાથ તરફ ધસી ગઈ હતી.

જોકે બસના ડ્રાઈવર સાવંતનો દાવો છે કે છેલ્લી ઘડીએ બ્રેક લાગી નહોતી. બ્રેક ફેઈલ થવાને કારણે અકસ્માત થયો હશે. બેસ્ટની ટેક્નિકલ ટીમ તપાસ કરશે પછી આ બાબતે ચોખવટ થશે, એમ અધિકારીનું કહેવું છે.

ભાંડુપ રેલવે સ્ટેશન બહાર અનેક પ્રવાસી બસની રાહ જોતા ઊભા હતા. સ્કાયવૉકના બે પિલર બચ્ચેથી સાવંત યુટર્ન લેતો હતો ત્યારે તેણે બસના સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. વળી, ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ફેરિયાઓ અડ્ડો જમાવી બેસતા હોવાથી બસને વળાંક લેવામાં મુશ્કેલી પડતી હોવાનો પણ આક્ષેપ કરાયો હતો.

પોલીસના જણાવ્યા મુજબ બસ તેજ ગતિથી ફૂટપાથ તરફ ધસી ગઈ હતી અને વીજળીના થાંભલા સાથે ભટકાઈ હતી. અકસ્માત થતાં જ ફેરિયાઓ તેમનો સામાન ઊંચકી રફુચક્કર થઈ ગયા હતા.

ઘટનાની ખાતાકીય તપાસનો આદેશ: મૃતકના કુટુંબને બે લાખ રૂપિયાની સહાય

મુંબઈ: ભાંડુપમાં બેસ્ટની બસ નીચે 14 પ્રવાસી કચડાયાની ઘટનાની ખાતાકીય તપાસનો આદેશ બેસ્ટના જનરલ મૅનેજરે આપ્યો હતો. આ અકસ્માતમાં મૃત્યુ પામેલાઓના કુટુંબને બે લાખની આર્થિક સહાયની જાહેરાત પણ બેસ્ટે કરી હતી.
બેસ્ટના જણાવ્યા મુજબ ભાંડુપ પશ્ર્ચિમથી નરદાસ નગર જનારી રૂટ નંબર-606ની બસ ભાંડુપ રેલવે સ્ટેશન પાસેના બસસ્ટોપ નજીક આવી ત્યારે ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેને પગલે બસ સ્ટોપ પર ઊભેલા પ્રવાસીઓ પર બસ ધસી ગઈ હતી. આ ઘટનામાં 14 પ્રવાસી બસની અડફેટે આવી ગયા હતા. જખમી 10 પ્રવાસીને સારવાર માટે મહાપાલિકાની રાજાવાડી અને સાયન હૉસ્પિટલ તેમ જ ખાનગી હૉસ્પિટલોમાં દાખલ કરાયા હતા. તેમની સારવારની જવાબદારી પણ બેસ્ટે ઉઠાવી હતી.

અકસ્માતમાં ત્રણ મહિલા સહિત ચાર જણનાં મૃત્યુ થયાં હતાં. જીવ ગુમાવનારા પ્રવાસીઓ માટે બેસ્ટે શોક વ્યક્ત કર્યો હતો અને તેમના કુટુંબીજનોને બે-બે લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. એ સિવાય આ ઘટનાની ખાતાકીય તપાસનો આદેશ આસિસ્ટન્ટ જનરલ મૅનેજરને આપવામાં આવ્યો હતો. તપાસ બાદ અહેવાલ રજૂ કરવાનું જણાવાયું હતું.

વીજળીના થાંભલાને કારણે અનેકનો જીવ બચ્યો?

મુંબઈ: ભાંડુપમાં બેકાબૂ બસ ફૂટપાથ પર ધસી આવી ત્યારે વીજળીના એક થાંભલા સાથે ભટકાઈ હતી, જેને કારણે અનેકના જીવ બચ્યા હોવાનું ઘટનાસ્થળે હાજર લોકોનું કહેવું છે. સ્ટેશન નજીક સાડીની દુકાન ધરાવતા વેપારી મોબાઈલ પર વાત કરતા દુકાન બહાર ઊભા હતા ત્યારે આ ઘટના બની હતી. વેપારીના કહેવા મુજબ ગણતરીની સેકંડમાં બસે પ્રવાસીઓને કચડ્યા હતા. વીજળીના થાંભલા સાથે ભટકાવાને કારણે બસ ઊભી રહી હતી. થાંભલાને કારણે અનેકના જીવ બચ્યા હોવાનું કહી શકાય. અન્ય એક વેપારીએ પણ થાંભલાએ અનેકના જીવ બચાવ્યા હોવાનો દાવો કર્યો હતો.

સાતારામાં કઝિનનાં લગ્નમાંથી પાછી ફરેલી નર્સ વર્ષા સાવંતે જીવ ગુમાવ્યો

મુંબઈ: કઝિન ભાઈનાં લગ્નમાંથી સાતારાથી પાછી ફરેલી ખાનગી હૉસ્પિટલની નર્સ વર્ષા સાવંતને પણ કાળમુખી બસ ભરખી ગઈ હતી. વર્ષાના કઝિનનાં સાતારામાં લગ્ન હતાં. તેનો પરિવાર સાતારામાં જ છે, જ્યારે મંગળવારે હૉસ્પિટલમાં ડ્યૂટી પર જવાનું હોવાથી વર્ષા સોમવારે એકલી મુંબઈ પાછી ફરી હતી. કહેવાય છે કે સોમવારે જ તેણે પોતાનો જન્મદિન પણ ઊજવ્યો હતો. ઘરે જવા માટે તે બસની રાહ જોતી બસસ્ટોપ પર ઊભી હતી ત્યારે આ ઘટના બની હતી. માથા અને પીઠ પર ગંભીર ઇજાને કારણે ઘટનાસ્થળે જ વર્ષાએ જીવ ગુમાવ્યો હતો.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button