ફૅશનેબલ બંગડીઓ પહેરનારી પત્નીને પટ્ટાથી ફટકારી: પતિ સહિત ત્રણ સામે ગુનો
થાણે: નવી મુંબઈના દિઘા ખાતે બનેલી આંચકાજનક ઘટનામાં ફૅશનેબલ બંગડીઓ પહેરનારી પત્નીને પતિએ પટ્ટાથી ફટકારી હતી. ઘરમાં હાજર સાસુ અને અન્ય મહિલા સંબંધીએ પણ વાળ ખેંચી મહિલાની મારઝૂડ કરી હોવાનું સામે આવતાં પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
આ પ્રકરણે ૨૩ વર્ષની મહિલાએ નોંધાવેલી ફરિયાદને આધારે રબાળે એમઆઈડીસી પોલીસે એફઆઈઆર નોંધ્યો હતો. ફરિયાદમાં જણાવાયું હતું કે પત્ની ફૅશનેબલ બંગડી પહેરે તે પતિ પ્રદીપ અરકાડે (૩૦)ને ગમતું નહોતું. આ મુદ્દે દંપતી વચ્ચે વિવાદ પણ થયો હતો.
૧૩ નવેમ્બરે પણ આ જ મુદ્દે દંપતી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. રોષમાં આવી ૫૦ વર્ષની સાસુએ વાળ ખેંચી મહિલાને લાફા ચોડી દીધા હતા. પતિએ પણ પટ્ટાથી ફટકારી હતી. એ સમયે ઘરમાં હાજર મહિલા સંબંધીએ ધક્કો મારી મહિલાને જમીનસરસી કરી તેની મારઝૂડ કરી હતી, એવું ફરિયાદમાં જણાવાયું હતું.
ઘટના બાદ મહિલા પુણેમાં તેના પિયર રહેવા જતી રહી હતી અને આ મામલે ત્યાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કેસ નવી મુંબઈ પોલીસમાં ટ્રાન્સફર કર્યો હતો. આ પ્રકરણે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૨૩, ૩૨૪, ૩૪, ૫૦૪ અને ૫૦૬ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.