મુંબઈમાં સી લિંક પર કલાકના 252 કિમીની સ્પીડે ભાગતી લેમ્બોર્ગિની જપ્ત, કરોડોની કારનો માલિક અમદાવાદી

મુંબઈ: બાંદ્રા-વરલી સી લિંક પર કાર માટે સ્પીડ લિમીટ 80 કિમી પ્રતિ કલાક છે, પરંતુ તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં એક લેમ્બોર્ગિની કાર સી લિંક પર પુરપાટ વેગે દોડતી દેખાઈ હતી. મુંબઈ પોલીસે આ વિડીયોની નોંધ લઇને તપાસ શરુ કરી હતી. પોલીસે ગુનો નોંધીને કરોડોની કિંમતની આ કાર જપ્ત કરી છે, કારનો માલિક અમદાવાદનો વેપારી છે.
12 ડિસેમ્બરના રોજ લક્ઝરી સ્પોર્ટ્સ કારથી અંદર શૂટ કરવામાં આવેલો વીડિયોમાં સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ ચાલકે બાંદ્રા-વરલી સી લિંક પર 252 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે લેમ્બોર્ગિની કાર ચલાવી હતી. કાર અન્ય વાહનોને ઓવરટેક કરીને સી લિંકના દક્ષિણ છેડા તરફ જઈ રહી હતી.
સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ શરુ કરી હતી. આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરતા જાણવા મળ્યું કે આ લેમ્બોર્ગિની કારે ઘણા બંધા સિગ્નલ પર સ્પીડ લિમીટ ઉલ્લંઘન કર્યું હતું.
મુંબઈ પોલીસની કર્યવાહી:
મધ્ય મુંબઈના વરલી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિત (BNS) અને મોટર વાહન અધિનિયમની કલમ 281 હેઠળ જાહેર રસ્તાઓ પર બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ કાર ચાલક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.
પોલીસે 2021 મોડેલની પીળા રંગની લેમ્બોર્ગિની કાર જપ્ત કરી છે. કાર પર હરિયાણા રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લાગલી છે.
લેમ્બોર્ગિની કારનો માલિક અમદાવાદી:
પોલીસે આપેલી માહિતી મુજબ ઘટનામાં સામેલ લેમ્બોર્ગિની કાર ‘સુપર વેલ કોમટ્રેડ પ્રાઇવેટ લિમિટેડ’ કંપનીના નામે નોંધાયેલી છે, કારનો માલિક અમદાવાદનો રહેવાસી નીરવ પટેલ છે, તેણે આ કાર મુંબઈના ખાર વિસ્તારના કાર ડીલર ફૈઝ અદનવાલા પાસે વેચવા માટે મૂકી હતી, ફૈઝ ટેસ્ટ ડ્રાઈવ માટે કારને સી લિંક પર લઇ ગયો હતો. તેણે જાતે જ આ વિડીયો શૂટ કર્યો હતો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. કાર ચાલક વિરુદ્ધ કેસ કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસે કાર્યવાહી સામે સવાલ:
પોલીસે એમ પણ જણાવ્યું કે આ વીડિયો ઓગસ્ટનો છે. કારના રજિસ્ટ્રેશન નંબરની તપાસ કરતાં પોલીસને એવું પણ જાણવા મળ્યું હતું કે આ જ કારે 15 ઓગસ્ટ, 2025 (123 કિમી/કલાક) અને 17 ઓગસ્ટ, 2025 (127 કિમી/કલાક)ના રોજ વરલી સી લિંક પર સ્પીડ લીમીટનું ઉલંઘન કર્યું હતું, જેના માટે તેને બે ઇ-ચલણ પણ પાઠવવામાં આવ્યા હતાં.
ત્યારે એવો સવાલ થઇ રહ્યો છે કે ઓગસ્ટ મહિનામાં સ્પીડ લિમીટના ઉલંઘન બાદ જો પોલીસે યોગ્ય કડક કાર્યવાહી કેમ ના કરી? પોલીસની આ બેદરકારીને કારણે કોઈ મોટો અકસ્માત પણ સર્જાઈ શક્યો હોત. ત્યારે આવા ગુના સામે તુરંત અને કડક કાર્યવાહીનો માંગ ઉઠી છે. જેથી ઉલંઘન કરનારાઓને પાઠ ભણાવીને દાખલો બેસાડી શકાય.
સી લિંક પર સ્પીડ લિમીટના ઉલંઘનની અનેક ઘટનાઓ અગાઉ બની ચુકી છે. ખાસ કરીને મોડી રાત્રે જ્યારે ટ્રાફિક ઓછો હોય, ત્યારે સ્પોર્ટ્સ કારના ચાલકો મજા માટે પુરપાટ વેગે કાર ચલાવતા જોવા મળ્યા છે. જેના કારણે કેટલાક અકસ્માતો પણ નોંધાયા છે.
આપણ વાંચો: ડેટિંગ ઍપ પર ફૅશન સ્ટાઈલિસ્ટનો ફૅક પ્રોફાઈલ બનાવનારા વિરુદ્ધ ગુનો…



