શોકિંગઃ પશ્ચિમ એક્સપ્રેસ પરથી મોટી ‘ઘાત’ ટળી, કલાકમાં બે જગ્યાએ કોચ થયા અલગ, જાણો મામલો?

મહારાષ્ટ્ર-ગુજરાતમાં બાંદ્રા ટર્મિનસ-અમૃતસર એક્સપ્રેસના કોચ છૂટા પડ્યા, રેલવેએ તપાસના આદેશ આપ્યા
મુંબઈઃ મુંબઈ સહિત મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આજે દિવસભર ભારે વરસાદ વરસી રહ્યો છે, જેનાથી મુંબઈની લોકલ ટ્રેનસેવા પર આંશિક અસર જોવા મળી હતી, પરંતુ બંધ નહીં થવાથી પ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે, પણ રેલવે પ્રશાસન માટે એક ચોંકાવનારો બનાવ બન્યો છે.
પશ્ચિમ રેલવેમાં પશ્ચિમ એક્સપ્રેસના કોચ એક નહીં બે જગ્યાએ અલગ અલગ થયા હતા, પરંતુ રાહતની વાત એ હતી કે આ બનાવથી કોઈ જાનહાનિ થઈ નહોતી. બીજી રાહતની એ વાત હતી કે રેલવે પ્રશાસનનું સમયસર ધ્યાન ગયું હોવાથી મોટી હોનારતમાંથી બચી ગયું હતું.
મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આજે એક કલાકમાં બાંદ્રા ટર્મિનસ-અમૃતસર પશ્ચિમ એક્સપ્રેસના કોચ અલગ થવાની બે ઘટનાઓ નોંધાઈ હતી, જેનાથી પ્રવાસીઓની સાથે સાથે રેલવે પ્રશાસન પણ હરકતમાં આવી ગયા હતા. આ બનાવને કારણે લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ કોચના મેઈન્ટેનન્સ માટે ગંભીર સવાલો ઊભા થયા છે, જ્યારે અમુક યૂઝર્સે બેદરકારી પણ ગણાવી હતી.
બાંદ્રા ટર્મિનસ-અમૃતસર પશ્ચિમ એક્સપ્રેસ (12925)માં આ બનાવ બન્યો હતો. એન્જિનની સાઈડથી કોચ એવન અને એટૂમાં બની હતી. પહેલી ઘટના વાણગાંવ અને દહાણુ સ્ટેશનની વચ્ચે આજે બપોરે 1.19 વાગ્યે બની હતી અને બીજી ઘટના ગુજરાતના સંજાણ સ્ટેશન પર બપોરે 2.10 વાગ્યે બની હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
પશ્ચિમ રેલ્વેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કોઈ પણ મુસાફરને કોઈ ઈજા કે અસુવિધા થઈ નથી, અને એકંદર ટ્રેન કામગીરી પર કોઈ અસર થઈ નથી. શરૂઆતમાં ટ્રેનને કોચ ફરીથી જોડવા માટે લગભગ ૨૫ મિનિટ સુધી રોકવામાં આવી હતી અને પછી બપોરે ૧:૪૬ વાગ્યે તેને આગળ વધવા દેવામાં આવી હતી.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સંજાણ સ્ટેશન પર ટ્રેનને ફરીથી જોડવામાં આવી હતી, જેમાં વલસાડથી કેરેજ અને વેગન સ્ટાફને મદદ કરવા માટે બપોરે ૩:૧૫ વાગ્યે વલસાડથી એક લોકોમોટિવ એન્જિન રવાના થયું હતું. તેમાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી, કે ટ્રેનને કોઈ નુકસાન થયું નથી.
જોકે, ટ્રેન મોડી થવાને કારણે પ્રવાસીઓ રખડી પડ્યા હતા, જ્યારે રેલવેની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારબાદ સંજાણ સ્ટેશનથી સાંજના 4.43 વાગ્યે રવાના કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ મુદ્દે પશ્ચિમ રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે વારંવાર કોચ છૂટા થવાનું કારણ જાણવા માટે વધુ ટેકનિકલ તપાસ કરવામાં આવી રહી છે. પશ્ચિમ એક્સપ્રેસના છૂટા થયેલા કોચ અંગે રેલવેએ વિગતવાર તપાસ હાથ ધરવાનો આદેશ આપ્યો છે, જ્યારે ટ્રેન પણ તેના નિર્ધારિત ટાઈમટેબલ કરતા સાડાચાર કલાકથી વધુ મોડી દોડી રહી છે, એમ પ્રવાસીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો…બાંદ્રા ટર્મિનસમાં ‘નવી પિટ લાઈન’ બનાવાઈ: સેમી હાઈ સ્પીડ ટ્રેનની જાળવણી કરાશે…