
અકોલાઃ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં હાલ જોરદાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે મહારાષ્ટ્ર્ના અકોલા જિલ્લામાં બાલાપુર નજીક એક પ્રાચીન કિલ્લાની દીવાલ ધરાશાયી થઈ હતી. બાલાપુર વિસ્તારમાં સતત ભારે વરસાદને કારણે કિલ્લાની દીવાલ પડી ગઈ હતી. જોકે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. કિલ્લાની દીવાલ પડવાની ઘટના ત્યાં હાજર લોકોએ કેમેરામાં કેદ કરી લીધી હતી.ત્યાં હાજર લોકોએ કિલ્લાની દીવાલને હલતા જોઈ અને પછી દીવાલ પડવાનો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
શરૂઆતના અહેવાલો અનુસાર ભારે વરસાદ અને યોગ્ય જાળવણીના અભાવે કિલ્લાની પહેલાથી જ નાજુક દીવાલ વધુ નબળી પડી ગઈ હતી. એક સમયે પ્રાદેશિક ગૌરવનું પ્રતીક રહેલો આ કિલ્લો તાજેતરના મહિનાઓમાં ખતરનાક રીતે જર્જરિત થઇ ગયો હતો. સ્થાનિક ઇતિહાસકારો માને છે કે રાજા જયસિંહના શાસનકાળ વખતનો આ કિલ્લો મહારાષ્ટ્રના સ્થાપત્ય અને સાંસ્કૃતિક વારસાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ ઘટનાને કારણે આવા સ્મારકોને વધુ ક્ષતિથી બચાવવા માટે સંરક્ષણ પ્રયાસોની માંગણીઓ ઉભી થઈ છે.
કોંકણ માટે ‘રેડ એલર્ટ’
આજે ભારતીય હવામાન વિભાગે (IMD) મુંબઈ, થાણે અને પાલઘર માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. કેટલાક સ્થળોએ ભારેથી મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી છે. રાયગઢ, રત્નાગિરિ અને સિંધુદુર્ગ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. શુક્રવારે રાયગઢ અને રત્નાગિરિ માટે રેડ એલર્ટ છે.
કોંકણ અને ઘાટ વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. મુંબઈ સ્થિત પ્રાદેશિક હવામાન કેન્દ્ર (RMC) અનુસાર બંગાળની ખાડી પર બનેલા લો પ્રેશરને કારણે ભારે વરસાદ પડી રહ્યો છે, જેની અસર મહારાષ્ટ્રના કોંકણ અને ઘાટ વિસ્તારોમાં જોવા મળશે.
મુંબઈમાં ભારે વરસાદ
આજે સવારથી મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને અંધેરી, બોરીવલી, દહિસર, મલાડ, ગોરેગાંવ, કાંદિવલી, સાંતાક્રુઝ, વિલે પાર્લે અને બાંદ્રા જેવા ઉપનગરીય વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જો કે, હાલમાં શહેરમાં ક્યાંય પાણી ભરાયાના કોઈ સમાચાર નથી, પરંતુ જો આ જ રીતે વરસાદ ચાલુ રહેશે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. હવામાન વિભાગે મુંબઈ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે અને નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. દિવસ દરમિયાન સવારના આઠ વાગ્યાથી એક વાગ્યા સુધીમાં મુંબઈ સેન્ટ્રલ કરતા મુંબઈ ઈસ્ટર્ન અને વેસ્ટર્ન ઉપનગરમાં બેથી વધુ વરસાદ નોંધાયો હતો.