ફડણવીસને ધમકી આપવાના કેસમાં બન્ને આરોપીના જામીન મંજૂર

મુંબઈ: રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને જાનથી મારવાની ધમકી આપવાના કેસમાં ધરપકડ કરાયેલા બન્ને આરોપીના કોર્ટે જામીન મંજૂર કર્યા હતા.
બાન્દ્રાના એડિશનલ મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટ અતુલ જાધવે ગુરુવારે કિંચક નવલે અને યોગેશ સાવંતના જામીન મંજૂર કર્યા હતા. બન્નેને 15 હજાર રૂપિયાના બૉન્ડ્સ પર છોડવામાં આવ્યા હોવાનું તેમના વકીલ સતીશ માનેશિંદેએ જણાવ્યું હતું.
બીડના ખેડૂત નવલેએ યુટ્યૂબ ચૅનલને આપેલા ઈન્ટરવ્યૂ દરમિયાન ફડણવીસને જાનથી મારવાની ધમકી આપી હતી અને તેમના માટે વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. નવલેના આ ઈન્ટરવ્યૂને સાવંતે સોશિયલ મીડિયા પર શૅર કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
જામીન અરજીમાં આરોપી નિર્દોષ હોવાનો દાવો કરી આ કેસમાં તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાનું જણાવાયું હતું. પ્રથમદર્શી આરોપીઓ સામે કોઈ કેસ બનતો નથી અને ‘બદઈરાદાથી’ આ કેસ કરવામાં આવ્યો હોવાનું અરજીમાં જણાવાયું હતું.
આ પ્રકરણે અક્ષય પનવેલકરે નોંધાવેલી ફરિયાદને આધારે સાંતાક્રુઝ પોલીસે ગયા સપ્તાહે ભારતીય દંડ સંહિતાની કલમ 153એ અને 500 હેઠળ ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી હતી. (પીટીઆઈ)