બાબા સિદ્દીકીના મોતની ખાતરી કરવા શૂટર અડધો કલાક હૉસ્પિટલ બહાર ઊભો હતો
મુંબઈ: બાન્દ્રા પરિસરમાં ગોળીબાર કરી મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન બાબા સિદ્દીકીની હત્યા કરવાના કેસની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચને ઉત્તર પ્રદેશથી પકડાયેલા મુખ્ય શૂટર શિવકુમાર ગૌતમ ઉર્ફે શિવાની પૂછપરછમાં ચોંકાવનારી માહિતી મળી રહી છે. ગોળીબાર પછી ઘટનાસ્થળેથી ફરાર થયેલો શૂટર બાબા સિદ્દીકીના મોતની ખાતરી કરવા અડધો કલાક સુધી લીલાવતી હૉસ્પિટલ બહાર લોકોની ભીડમાં ઊભો હતો.
પૂછપરછમાં શિવકુમારે ખુલાસો કર્યો હતો કે ગોળીબાર પછી ઘટનાસ્થળેથી ફરાર થયા પછી થોડે જ અંતરે તેણે ઝડપથી શર્ટ બદલી નાખ્યો હતો. ત્યાર બાદ જખમી બાબા સિદ્દીકીને સારવાર માટે લીલાવતી હૉસ્પિટલ લઈ જવામાં આવતાં તે પણ હૉસ્પિટલ પહોંચ્યો હતો. હૉસ્પિટલ બહાર એકઠી થયેલી સિદ્દીકીના સમર્થકોની ભીડમાં તે અડધો કલાક ઊભો રહ્યો હતો. સિદ્દીકી ગંભીર હોવાની ખાતરી થયા પછી તે ત્યાંથી રવાના થયો હતો.
બાન્દ્રા પૂર્વમાં પક્ષના કાર્યાલયથી ઘરે જવા નીકળેલા બાબા સિદ્દીકી પર 12 ઑક્ટોબરની રાતે ત્રણ શૂટરોએ ગોળીબાર કર્યો હતો. બે ગોળી છાતીમાં વાગવાથી ગંભીર હાલતમાં તેમને લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. ઘટનાની ગણતરીની મિનિટોમાં જ પોલીસે બે શૂટર ધર્મરાજ કશ્યપ અને ગુરમેલ સિંહને પકડી પાડ્યા હતા. ફરાર મુખ્ય શૂટર શિવકુમાર ગૌતમની લગભગ મહિને ઉત્તર પ્રદેશથી ધરપકડ કરાઈ હતી.
આપણ વાંચો: બાબા સિદ્દીકીને પતાવવા મહિનાથી શૂટરોને મોકાની તલાશ હતી
આરોપી શિવકુમારે પૂછપરછમાં જણાવ્યું હતું કે પ્રારંભિક યોજના અનુસાર તે ઉજૈન રેલવે સ્ટેશન પર ધર્મરાજ અને ગુરમેલને મળવાનો હતો. સ્ટેશન પર બિશ્ર્નોઈ ગૅન્ગનો એક સભ્ય મળવાનો હતો, જે તેમને વૈષ્ણોદેવી લઈ જવાનો હતો. જોકે કશ્યપ અને સિંહ પકડાઈ જતાં તેમનો પ્લાન ફેલ થયો હતો.
શૂટર શિવકુમારના ચાર સાથીઓએ મોડી રાતે તેની સાથે મોબાઈલ ફોન પર કરેલી શંકાસ્પદ વાતચીતને કારણે પોલીસ શિવકુમાર સુધી પહોંચી શકી હતી. ઉત્તર પ્રદેશમાં પોલીસે શિવકુમાર સાથે તેના સાથી અનુરાગ કશ્યપ, જ્ઞાન પ્રકાશ ત્રિપાઠી, આકાશ શ્રીવાસ્તવ અને અખિલેન્દ્ર પ્રતાપ સિંહને પકડી પાડવામાં આવ્યા હતા. આ ચારેય સાથીએ શિવકુમારને નેપાળમાં સ્થાયી થવાની ગોઠવણ કરી હોવાનું પોલીસ તપાસમાં જણાયું હતું.
શિવકુમારના સાથીઓએ વિવિધ સાઈઝનાં કપડાં ખરીદ્યાં હતાં અને શિવકુમારને જંગલમાં મળવાની યોજના બનાવી હતી. તે શિવકુમાર સાથે ઈન્ટરનેટ કૉલ્સના માધ્યમથી સતત સંપર્કમાં હતા. આ ફોન લખનઊથી ખરીદવામાં આવ્યો હતો.