બાબા સિદ્દીકી હત્યા કેસ: SIT તપાસ માટે અરજી પર હાઇ કોર્ટે પોલીસ પાસે જવાબ માંગ્યો

મુંબઈ: મુંબઈ હાઈ કોર્ટે આજે મુંબઈ પોલીસને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન બાબા સિદ્દીકીની પત્ની શહેઝીન સિદ્દીકીએ દાખલ કરેલી અરજીનો જવાબ આપવાનો નિર્દેશ આપ્યો હતો, જેમાં બાબા સિદ્દીકીની હત્યાની SIT તપાસની માંગ કરવામાં આવી હતી.
ગયા અઠવાડિયે દાખલ કરેલી અરજીમાં શહેઝીન સિદ્દીકીએ જણાવ્યું હતું કે પોલીસ ગુનેગારોને પકડવામાં નિષ્ફળ રહી છે અને તેના પતિની હત્યા પાછળ બિલ્ડર/ડેવલપર અને રાજકીય સાંઠગાંઠનો આરોપ લગાવ્યો હતો.
આપણ વાચો: દહેશત ફેલાવવા અને વર્ચસ જમાવવા બાબા સિદ્દીકીની હત્યા કરાઈ: ચાર્જશીટ
તેણે હત્યાની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવાની માંગ કરી હતી. 12 ઓક્ટોબર, 2024ના રાત્રે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં તેમના પુત્ર ઝીશાનની ઓફિસની બહાર ત્રણ હુમલાખોરોએ 66 વર્ષીય બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરી હતી.
મંગળવારે ન્યાયાધીશ એ. એસ. ગડકરી અને આર. આર. ભોંસલેની બેન્ચે સંયુક્ત પોલીસ કમિશનર (ક્રાઈમ) અને સંબંધિત તપાસ અધિકારીને અરજી પર તેમના સોગંદનામા દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો અને આ કેસની સુનાવણી 11 ડિસેમ્બર પર મુલતવી રાખી હતી. ઝીશાન સિદ્દીકનું નિવેદન નોંધાયું છે કે નહીં તે અંગે થોડી મૂંઝવણ હોવાથી કોર્ટે પોલીસને આગામી તારીખે તપાસની કેસ ડાયરી રજૂ કરવા પણ કહ્યું હતું.
આપણ વાચો: અબ તક 26: બાબા સિદ્દીકી હત્યાકેસમાં વધુ એક આરોપી પકડાયો
પોલીસે દાવો કર્યો હતો કે તેઓ ઝીશાન સાથે સંપર્કમાં હતા,અને તેનું નિવેદન નોંધ્યું છે. પરંતુ અરજદારના વકીલો, પ્રદીપ ઘરાત અને ત્રિવનકુમાર કર્ણાનીએ કહ્યું કે તેમનું નિવેદન નોંધાયું નથી.
રાજ્યના ખાસ સરકારી વકીલ મહેશ મુળેએ કહ્યું કે પોલીસ ઝીશાન સાથે “ઘણી વખત” સંપર્કમાં રહી છે અને તેના વોટ્સએપ ચેટ અને કોલ રેકોર્ડ્સ પણ છે, ત્યારે બેન્ચે ટિપ્પણી કરી, “તે સંપર્કમાં છે કે નહીં, અમને ચિંતા નથી. અમને કાયદેસર રીતે સ્વીકાર્ય પુરાવા બતાવો. આ ગુનાની તપાસ છે.”



