જૂની અને નવી બધી જ ટ્રેનોમાં લાગશે ઓટોમેટિક ડોર ક્લોઝિંગ સિસ્ટમ, ક્યારથી આવશે? | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

જૂની અને નવી બધી જ ટ્રેનોમાં લાગશે ઓટોમેટિક ડોર ક્લોઝિંગ સિસ્ટમ, ક્યારથી આવશે?

238 નવી AC લોકલ ટ્રેનો ખરીદવાની પ્રક્રિયા પણ શરૂ, જેનાથી મુસાફરી વધુ સુરક્ષિત બનશે

મુંબઈઃ મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનોમાં છાશવારે અકસ્માતો થતાં રહે છે. જૂન મહિનામાં મુમ્બ્રા – દિવા વચ્ચે થયેલા જીવલેણ અકસ્માતમાં અનેક પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા બાદ સરકારે જાહેરાત કરી હતી કે બધી જ લોકલને ઓટોમેટિક દરવાજામાં પરિવર્તિત કરવાની દિશામાં કામ કરવામાં આવશે.

હવે મુંબઈવાસીઓ માટે મોટા સમાચાર આવ્યા છે કે લોકલ ટ્રેનોમાં ઓટોમેટિક દરવાજા લગાવવાના કામે વેગ પકડ્યો છે. રેલવે મંત્રાલયે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ સુવિધા નવી નોન-એસી લોકલ ટ્રેનોમાં પણ ઉપલબ્ધ થશે.

આપણ વાંચો: આજે પણ લોકલ ટ્રેનોના ધાંધિયામાંથી ‘મુક્તિ’ નહીંઃ નોન પીક અવર્સમાં ભયાનક ભીડ, કારણ શું?

જૂની લોકલ ટ્રેનોમાં પણ ઓટોમેટિક ડોર ક્લોઝિંગ સિસ્ટમ હશે

રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના 4.8 કિલોમીટરના ટનલ કામના નિરીક્ષણ દરમિયાન આ નિર્ણયની જાહેરાત કરી હતી. અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે મુંબઈની ઉપનગરીય રેલવે લાઈનમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. તેમની સલામતી અમારી પ્રાથમિકતા છે, તેથી હાલમાં ચાલતી જૂની લોકલ ટ્રેનોમાં પણ ઓટોમેટિક ડોર ક્લોઝિંગ સિસ્ટમ હશે.

238 નવી એસી લોકલ ટ્રેનો ખરીદવાની પ્રક્રિયા પણ શરૂ કરી

રેલવે પ્રધાને જણાવ્યું હતું કે, નવી બનેલી તમામ નોન-એસી લોકલ ટ્રેનોમાં ઓટોમેટિક સિસ્ટમ માટે અલગ જોગવાઈ કરવામાં આવી છે. આવી પહેલી આધુનિક લોકલ આવતા વર્ષથી મુસાફરોની સેવામાં પ્રવેશ કરે તેવી અપેક્ષા છે.

આધુનિક મુસાફરી સુનિશ્ચિત કરવા માટે મંત્રાલયે 238 નવી એસી લોકલ ટ્રેનો ખરીદવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે. ટૂંક સમયમાં, મુંબઈની ઉપનગરીય રેલ્વેનો ચહેરો સંપૂર્ણપણે બદલાઈ જશે, એમ વૈષ્ણવે જણાવ્યું હતું.

આપણ વાંચો: મધ્ય રેલવેમાં ટ્રાન્સ હાર્બર અને મેઈન લાઈનમાં લોકલ ટ્રેનોના ધાંધિયા, પ્રવાસીઓ હેરાન…

આધુનિક નોન-એસી લોકલ નવેમ્બર 2025 સુધીમાં તૈયાર થશે

ફક્ત દરવાજા જ નહીં, પરંતુ મુસાફરોની સુવિધા માટે, નવી લોકલમાં છત પર લૂવર્ડ પેનલ્સ અને વેન્ટિલેશન યુનિટ હશે. આનાથી ખાતરી થશે કે ભીડના સમયે પણ હવા ફરતી રહે અને મુસાફરોને તાજી હવામાં શ્વાસ લેવામાં સરળતા રહેશે. પ્રથમ આધુનિક નોન-એસી લોકલ નવેમ્બર 2025 સુધીમાં તૈયાર થઈ જશે.

ત્યારબાદ સલામતી તપાસ અને પ્રમાણપત્ર પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા પછી તે 2026માં જાહેર સેવામાં દાખલ થશે, એમ રેલવે પ્રધાને જણાવ્યું.

૧૩૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવાની ક્ષમતા પણ હશે

ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF)ને બધી નોન-એસી ટ્રેનોને ફરીથી ડિઝાઇન કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે મુંબઈ રેલ્વે વિકાસ કોર્પોરેશન (MRVC)એ લગભગ 21,000 કરોડ રૂપિયાના 2,856 સંપૂર્ણપણે વાતાનુકૂલિત વંદે મેટ્રો કોચ ખરીદવા માટે વૈશ્વિક ટેન્ડર બહાર પાડ્યું છે.

તેમાં ઓટોમેટિક દરવાજા, ગાદીવાળી સીટ, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, ઈન્ફોટેનમેન્ટ સ્ક્રીન અને ૧૩૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવાની ક્ષમતા પણ હશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button