ઔરંગબાદ રેલવે સ્ટેશન હવે છત્રપતિ સંભાજીનગર સ્ટેશન તરીકે ઓળખાશે, મહારાષ્ટ્ર સરકારે કર્યો નિર્ણય…

મહારાષ્ટ્રના ઔરંગાબાદ રેલવે સ્ટેશનનું નામ બદલીને હવે છત્રપતિ સંભાજીનગર રેલવે સ્ટેશન કરવામાં આવ્યું છે. આ નિર્ણય મહારાષ્ટ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગેઝેટ નોટિફિકેશન દ્વારા લેવામાં આવ્યો છે. આ ફેરફાર શહેરનું નામ ઔરંગાબાદથી બદલીને છત્રપતિ સંભાજીનગર કરવાના લગભગ ત્રણ વર્ષ પછી થયો છે, જેનો હેતુ ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વને ઉજાગર કરવાનો છે.
અઘિકારી સૂત્રો પ્રમાણે, ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ સરકારે 15 ઓક્ટોબરે ઔરંગાબાદ રેલવે સ્ટેશનનું નામ બદલવા માટે ગેઝેટ નોટિફિકેશન જારી કર્યું હતું. આ પહેલ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની એમવીએ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી, અને તે પછી એકનાથ શિંદેની સરકારે શહેરનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર કર્યું હતું. આ નામ મરાઠા રાજા છત્રપતિ શિવાજી મહારાજના પુત્રના સન્માનમાં રાખવામાં આવ્યું છે, જે પહેલાં મુઘલ બાદશાહ ઔરંગઝેબના નામ પરથી ઓળખાતું હતું.
રેલવે સ્ટેશનનો ઇતિહાસ
ઔરંગાબાદ રેલવે સ્ટેશનની સ્થાપના 1900માં હૈદરાબાદના 7મા નિઝામ મીર ઓસ્માન અલી ખાન દ્વારા કરવામાં આવી હતી. આ સ્ટેશન કાચેગુડા-મનમાડ સેક્શન પર સ્થિત છે અને મુખ્યત્વે છત્રપતિ સંભાજીનગર શહેરને સેવા આપે છે. આ સ્ટેશન દક્ષિણ મધ્ય રેલવે ઝોનના નાંદેડ ડિવિઝન હેઠળ આવે છે, અને દેશના મુખ્ય શહેરો સાથે રેલવે જોડાણ ધરાવે છે.
છત્રપતિ સંભાજીનગર શહેર એક પર્યટન કેન્દ્ર તરીકે પ્રખ્યાત છે, જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ્સ એવા અજંતા એલોરા ગુફાઓથી ઘેરાયેલું છે. આ શહેરને ‘દરવાજાઓનું શહેર’ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં મુઘલ યુગ દરમિયાન બનેલા અનેક દરવાજા છે, જેમની પોતાની સ્થાનિક ઇતિહાસની વાર્તા છે. આ ઉપરાંત, શહેરમાં બીબી કા મકબરા અને ઔરંગાબાદ ગુફાઓ જેવા બે ASI-સંરક્ષિત સ્મારકો છે, તેમજ અન્ય ઘણા ઐતિહાસિક સ્થળો પણ શહેરની હદમાં આવેલા છે.