મહેશ ગાયકવાડ પર હુમલો કરવાનું કારણ પ્રોપર્ટી નહીં, રાજકારણ: મહારાષ્ટ્રમાં બધું સમુસૂતરું ન હોવાના ગંભીર સંકેત
મુખ્ય પ્રધાનના પુત્ર શ્રીકાંત શિંદેની આક્રમકતાને કારણે ભાજપના નેતાઓ અસ્વસ્થ

વિપુલ વૈદ્ય
મુંબઈ: મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિના બે ઘટક પક્ષો ભાજપ અને શિંદે સેના વચ્ચે બધું સમુસૂતરું ન હોવાના સંકેત ઉલ્હાસનગરમાં પોેલીસ સ્ટેશનની અંદર ભાજપના વિધાનસભ્ય દ્વારા કરવામાં આવેલા ગોળીબાર પછી સ્પષ્ટ થયું છે. અત્યારે આવી સ્થિતિ થાણે જિલ્લાના કલ્યાણ તાલુકામાં જોવા મળ્યો હોવા છતાં રાજ્યના અનેક તાલુકામાં આવી જ સ્થિતિ હોવાનું ભાજપના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
સત્તાવાર રીતે મહેશ ગાયકવાડ પર વિધાનસભ્ય ગણપત ગાયકવાડ દ્વારા કરવામાં આવેલા ગોળીબાર માટે પોલીસે પ્રાથમિક કારણ એવું દર્શાવ્યું હતું કે જમીનના વિવાદમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, વાસ્તવમાં આ હુમલા પાછળનું કારણ જમીનનો વિવાદ નહીં મહેશ ગાયકવાડની વધી રહેલી રાજકીય મહત્વાકાંક્ષા હતી, એવું ભાજપના સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.
વાસ્તવમાં મહેશ ગાયકવાડ એકનાથ શિંદેના જૂથનો ભૂતપૂર્વ નગરસેવક છે અને તેને કલ્યાણ પૂર્વની જે બેઠક પરથી ગણપત ગાયકવાડ વિધાનસભ્ય છે તે બેઠક પરથી ઉમેદવારી આપવાની ખાતરી શ્રીકાંત શિંદે દ્વારા આપવામાં આવી હતી. મુખ્ય પ્રધાનના પુત્ર દ્વારા જે રીતે ભાજપના મતદારસંઘો પર નજર બગાડવામાં આવી રહી છે તેની ફરિયાદ ભાજપના મોવડીમંડળને ઘણા સમયથી કરવામાં આવી રહી છે, પરંતુ તેના પર કોઈ ધ્યાન આપવામાં આવતું નહોતું.
સંસદસભ્ય શ્રીકાંત શિંદેની શહ પર મહેશ ગાયકવાડ વિધાનસભ્ય ગણપત ગાયકવાડના મતદાર સંઘોમાં અનેક કામો કરાવી રહ્યો હતો અને તેને કારણે ભાજપના વર્તુળમાં અસ્વસ્થતા હતી. ગણપત ગાયકવાડને પોતાનું રાજકીય ભાવિ ધૂંધળું દેખાઈ રહ્યું હતું, કેમ કે શ્રીકાંત શિંદે માટે કલ્યાણની લોકસભાની બેઠકનું બલિદાન કરનારો તેમનો પક્ષ વિધાનસભાની ચૂંટણીમાં કલ્યાણ પૂર્વ વિધાનસભાની બેઠકનું પણ બલિદાન કરી નાખે તો તેનું રાજકીય ભવિષ્ય અંધકારમય બની જવાની શક્યતા હતી અને તેથી જ ગણપતને મહેશ પર ભારે ગુસ્સો હતો.
ઉલ્હાસનગરના પોલીસ સ્ટેશનની અંદર જ્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શહ પામેલા મહેશ ગાયકવાડના કાર્યકર્તાઓ હાથાપાઈ પર ઉતરી આવ્યા ત્યારે તેમનો ગુસ્સો સાતમા આસમાન પર પહોંચી ગયો હતો અને તેમણે ગોળીબાર કરી નાખ્યો હતો.
પોતાના કૃત્યને કબૂલ કરતાં તેમણે શ્રીકાંત શિંદેની દાદાગીરી અને ભાજપના નેતાઓના મૌન અંગે ટિપ્પણી કરી હતી એના પરથી કેટલી હદે તેમનામાં ધુંધવાટ હતો તે સ્પષ્ટ થઈ રહ્યું છે.
ભાજપના અંતરંગ સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ રાજ્યના અનેક મતદારસંઘોમાં ભાજપના કાર્યકર્તાઓ-નેતાઓમાં આવો ધુંધવાટ જોવા મળી રહ્યો છે, કેમ કે શિંદે સેના દરેક મતદારસંઘમાં આક્રમક રીતે કામ કરી રહી છે અને ભાજપના જનપ્રતિનિધિઓની હાલત કફોડી થઈ રહી છે. તત્કાળ પગલાં ભરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ભાજપ-શિંદે સેના વચ્ચે શેરી યુદ્ધો થાય એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.