મુંબ્રાના શિક્ષકના ઘરે એટીએસની સર્ચ: મીટિંગની વિગતો મેળવવાના પ્રયાસ

મુંબઈ: મહારાષ્ટ્ર એન્ટિ-ટેરરિઝમ સ્ક્વોડે (એટીએસ) અલ કાયદા અને અન્ય પ્રતિબંધિત સંગઠનો સાથે કથિત રીતે કડી ધરાવવા બદલ પુણેથી ધરપકડ કરેલા સૉફ્ટવેર એન્જિનિયર પ્રકરણમાં મુંબ્રાના શિક્ષકના ઘરે સર્ચ હાથ ધરી હતી. શિક્ષકના ઘરે યોજાયેલી એક મીટિંગની વિગતો મેળવવાનો એટીએસ પ્રયાસ કરી રહી છે.
એટીએસ દ્વારા મુંબ્રા અને પુણેના કોંઢવા પરિસરમાં પણ સર્ચ હાથ ધરી હતી. જોકે એટીએસે સ્પષ્ટતા કરી હતી કે આ સર્ચને નવી દિલ્હીમાં કારમાં થયેલા બ્લાસ્ટ સાથે કોઈ સંબંધ નથી, પરંતુ સ્ટાન્ડર્ડ પ્રોસિજરના ભાગ રૂપે દિલ્હીની ઘટના સાથે મહારાષ્ટ્રને જોડતી કોઈ કડી છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી રહી છે.
આપણ વાચો: એટીએસનું માલેગાંવમાં ઑપરેશન: દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારો પકડાયો…
અધિકારીના જણાવ્યા મુજબ ધરપકડ કરાયેલા પુણેના સૉફ્ટવેર એન્જિનિયર ઝુબેર હંગરગેકરે (37) એક મીટિંગ માટે મુંબ્રાના શિક્ષકના ઘરનો ઉપયોગ કર્યો હતો. એટીએસે 27 ઑક્ટોબરે હંગરગેકરની ધરપકડ કરી હતી. અલ કાયેદા અને અલ કાયેદાના ભારતમાંના એકમ સાથે કડી ધરાવવાની સાથે કટ્ટરવાદી પ્રવૃત્તિમાં તેની સંડોવણી હોવાનું પોલીસનું કહેવું છે.
તપાસ દરમિયાન એટીએસને હંગરગેકરના જૂના ફોનમાંથી એક પાકિસ્તાની નંબર મળી આવ્યો હતો. વધુ તપાસમાં તે મીટિંગ માટે મુંબ્રા આવ્યો હોવાનું જણાયું હતું. પરિણામે એટીએસની ટીમ મંગળવારે હંગરગેકરની મીટિંગ બાબતે તપાસ કરવા મુંબ્રા પહોંચી હતી.
આ કેસમાં શિક્ષક આરોપી નથી અને સાક્ષી પણ નથી. અમે મુંબ્રા અને કોંઢવામાં સર્ચ કરી હતી પૂછપરછ હાથ ધરી હતી. જોકે અત્યાર સુધી હંગરગેકર અને દિલ્હી બ્લાસ્ટ સાથે આ બન્ને સ્થળના લોકોને કોઈ સંબંધ ન હોવાનું જણાયું હતું. (પીટીઆઈ)



